રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણીની સાથે ૧૨ થી ૧૪ની વયજૂથના ૬૦,૦૦૦ જેટલા બાળકોને આવરી લેવાશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ ખાતેથી કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા. રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ દિવસની ઉજવણીની સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના કિશોર કિશોરીઓને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજેશ પટેલે હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતે રસીકરણ શરૂ કરાવતા જણાવ્યું કે કોરોના સહિત તમામ રસીઓ આરોગ્ય રક્ષા માટે અગત્યની છે.એટલે બાળકોને સમય પત્રક પ્રમાણે તમામ રસીઓ અપાવવી એ માતાપિતાની ફરજ છે.આરોગ્ય વિભાગ વિનામૂલ્યે રસીકરણની સુવિધા આપે છે જેનો લાભ જાગૃતિ દાખવીને લેવો જોઈએ. ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના ૬૦,૦૦૦ જેટલા જિલ્લાના બાળકો રસી લેવાને પાત્ર છે અને અમે તમામને રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કર્યું છે. રસીકરણના પ્રથમ દિવસે જિલ્લાના ૭૭૩૬ થી વધુ બાળકોને આ રસી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળ કિશોરોના રસીકરણ ને લગતી નવી સૂચનાઓ અનુસાર સન ૨૦૦૮ અને ૨૦૦૯ના વર્ષમાં અને ૧૬મી માર્ચ,૨૦૧૦ સુધી જન્મેલા બાળકો રસીકરણ માટે લાયક ગણાશે.એમને નવી કાર્બેવેક્સ રસી આપવામાં આવી છે.
આ પ્રસંગે શાળાના સંચાલકો અને શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.