ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આજે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર તથા ઈન્સ્ટાગ્રામ પર કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.



















