“મત્સ્યોધોગ થકી ભદ્રેશભાઇ અને તેમની મંડળીના સભ્યો મહિને ૨૫ હજારથી વધુની કમાણી કરતા થયા છે”
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભદ્રેશભાઇ સુર્યકાંત કહારને મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર મત્સ્યપાલનનો ઇજારો મળતા ભદ્રેશભાઇ અને તેમની મંડળીને રોજગારી મળતી થઇ છે.રાજ્ય સરકાર તરફથી મત્સ્યપાલન ઉધોગ સાથે સંકળાયેલા લોકોને પધ્ધતિસરની તાલીમ આપી વધુ સારી રીતે રોજગારી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અને સાધન સહાય પૂરી પાડવામાં આવે છે.
ભદ્રેશભાઇ જણાવે છે કે હું પહેલા છૂટક માછલીઓનો વ્યપાર કરતો હતો.મારી માછલી વેચવાની દુકાન પણ છે. પહેલા બહારથી માછાલીઓ લાવીને વ્યપાર કરવો ખુબ ખર્ચાળ હતો. એ સમયે હું સીઝનમાં મહિને રૂ.૧૦ થી ૧૨ હજાર કમાણી કરતો હતો. મત્સ્યોદ્યોગ વિભાગ હિંમતનગર દ્રારા મને અને મારી મંડળીને મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર ઇજારો આપવામાં આવ્યો છે.આ સાથે મત્સ્ય પાલન માટે સરકાર તરફથી કટલા, રહુ, મિરગલ જેવી સારી ક્વોલીટીના મત્સ્ય બીજ આપવામાં આવ્યા છે. આ બીજ લગભગ દોઢ વર્ષમાં તૈયાર થાય છે. જેમાં એક માછલીનું વજન ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલુ થાય છે.
હું સીઝનમાં મહિને રૂ. ૨૫ થી ૩૦ હજારની કમાણી કરી લઉ છું. મત્સ્ય ઉદ્યોગ, હિંમતનગર થકી મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર ઇજારો મળતા હવે અમારી મંડળમાં અમે ૧૫ થી ૨૦ જેટલા સભાસદો છીએ જે સીઝનમાં સારી એવી કમાણી કરી રોજગારી મેળવતા થયા છીએ. જેથી કરીને અમારૂ જીવન ધોરણ સુધર્યું છે.
ભદ્રેશભાઇ કહાર વધુમાં જણાવે છે કે અમારી મંડળીમાં જેડાયેલ ભાઇઓ અને બહેનોને સરકારશ્રી તરફથી દર વર્ષે મત્સ્યપાલન માટે માછલીના બીજની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી તરફથી પ્લસ્ટિક કેટ, બોટો, જાળો, પેટોલીગ કમ ફીશ કલેક્શન બોટ વગેરે સહાય મળી છે. અમારા મુખ્ય વ્યવસાય ખેતી/મજૂરી સાથે મત્સ્યપાલન પૂરક રોજીનું સાધન બની છે. મત્સ્યપાલન માટે અમને સરકાર તરફથી ખુબ મદદ મળી છે. જેથી અમે રાજ્ય સરકારના આભારી છીએ.