કોઈક એ પૂછ્યું સ્ત્રી એટલે શું? સાંભળજો હો..
અરે હું એ દિકરી છું જે હરખથી નહીં,ના મનથી આ દુનિયામાં લાવવામાં આવી છું, કંઈક કેટલાએ મહેણા ટોણા મારી માં એ ખાધા પછી માંડ હું આ દુનિયામાં આવી શકી,
મોટી થતી ગઈ, કેટલીય રોકટોક સાથે, આ ના પહેરાય, પેલું ના કરાય, આમ ના બેસાય, આવુ તો કઈ બોલાતું હશે, મર્યાદામાં રહેજે હો, નીચું જોઈને ચાલવાનું, ખબરદાર જો કોઈ જોડે વાત કરી છે તો બસ આમ જ દબાઈ દબાઈને મોટી થતી ગઈ,
ભણવા જવાનો સમય થયો, કંઈક કેટલીય માથકૂટ સાથે અંતે મારો દાખલો મુકાયો, શાળાએ ગઈ, નવું નવું શીખવાની ઈચ્છા થઇ, પણ આ શું? અહીંયા પણ ઘણી ખરાબ નજરો જોઈ, રસ્તે ચાલતા આવતા લોકો ગમે તેમ બોલતા બસ સાંભળી રહી,ક્યારેક કોઈક ની હવસ નો શિકાર બની હોઈશ, પ્રેમના નામે છેતરાઈ હોઈશ,ક્યારેક મારી સ્વતંત્રતા કોઈને નહીં ગમી હોય તો ક્યાંકથી લગ્ન પછી હડધૂત કરી મને કાઢી મુકાઈ હોઈશ તો ક્યારેક મારા દેખાવ ના કારણે અપરિણીત રહી હોઈશ સરવાળે સ્ત્રી જો હતી,
થોડીક મોટી શું થઇ મારા લગ્ન લેવાયા, તને ગમે છે?એટલું જ તો પૂછવામાં આવ્યું, જવાબ સાંભળ્યો ના સાંભળ્યો કરી બેટા તારા માટે આ સારુ છે આ શબ્દ સાંભળી મને પારકી કરવામાં આવી અને હું બધાઈ ગઈ નવા બંધનમાં,
સાસરે પણ ક્યાં કોઈ અસ્તિત્વ હતું મારું, બધી જ જવાબદારી મારી છતાં મારાથી સંતાડીને વાતો થતી, ભેદભાવ થતો, સવાર ના 5 વાગ્યાથી રાતના 12 સુધી શું ગજબની નોકરી હતી મારી, અરે! પગાર નું તમે ના પૂછ્યું તો સાંભળો, અપજશનો પોટલો, જે મે ક્યારેય સપનામાં ના એ ના દીઠો હોય,ચાર દીવાલો વચ્ચે મારી ચીસો દબાઈ જતી,
માં બની લાગ્યું દુનિયાનું તમામ સુખ મળ્યું,બાળકોના ઉછેરમાં દિવસો વીતતા ગયા અરે હવે બાળકોને પણ પાંખો આવવા લાગી, ઉડી ગયા પોત પોતાના માળામાં, હશે કોઈ નસીબદાર જેને એક માળામાં એક ખૂણો મળ્યો હશે તે પણ ચુપચાપ બોલ્યા વગર રહેવું હોય તો જ બાકી, ક્યાં અછત છે ઝાડ પર મારા જ માળામાં રહેવાની,અથવા મારા જેવા જ બીજા પંખીઓ સાથે સમૂહ માળામાં રહેવાની,
અંત સમય નજીક આવતા કે બીમાર થતાં એ જ ફરી માથાફૂટ મારા છોકરા નાના છે બા મને નહીં ફાવે,મારી પત્ની તો કરે છે ભાઈ નોકરી, મારી પાસે ક્યાં એટલી આવક?અરે ભાઈ બધું જ છે પણ રાખે કોણ ધ્યાન? બસ આ સવાલો તો સંતાનોના હોય, એક ઓરડીમાં હું પાંચ સંતાનોને સમાવી લેતી પણ પાંચ ઓરડામાં હું એક માં ના સમાઈ શકતી આ જ તો મારી નસીબની બલિહારી. આ બધાની વચ્ચે ક્યાંક મારું અસ્તિત્વ પૂરું થતું.તો પણ મારા મુખમાં થી શબ્દ નીકળતા ખમ્મા!
છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય..
બસ આ જ છે સ્ત્રીની કહાની..
સમાજ સુધર્યો છે ના નથી પણ પુરેપુરો નહી હજુ પણ સ્ત્રીનું અસ્તિત્વ જોખમમાં છે જ..
મહિલાઓને આદર, પ્રેમ, આવકાર આપવો હોય તો જ આ દિવસ ઉજવજો બાકી… ચાલશે.. સ્ત્રી મહાન છે અને રહેશે તેને આ આવા એક દિવસ માટેના માનની જરૂર નથી…
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર ”
Happy women’s day.. 2022..