ભાવનગર જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરશ્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને પરિસ્થિતિથી વાકેફ કર્યા
———
યુક્રેનમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના વિધાર્થીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ પરત લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
———–
વર્તમાનમાં રશિયા- યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે ભારત, ગુજરાત સાથે ભાવનગર જિલ્લાના પણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.
યુક્રેનમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો જિલ્લાના વરિષ્ટ અધિકારીશ્રીઓએ સંપર્ક કરી વિદ્યાર્થીઓના ક્ષેમકુશળની કામના કરીને આશ્વાસન આપ્યું પુરૂ પાડ્યું હતું.
પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને યુક્રેનમાં સર્જાયેલી સ્થિતિ તથા ‘ઓપરેશન ગંગા’ દ્વારા આ વિદ્યાર્થીઓને સલામત રીતે સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહેલી વ્યવસ્થાઓથી અવગત કરાવ્યા હતાં.
આ વિદ્યાર્થીઓ સલામત રીતે શાંતિથી ભરત આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિ પર સમાચાર રાખવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહીને આ વિદ્યાર્થીઓ સહી સલામત રીતે પરત ફરે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
જિલ્લાના અધિકારીશ્રીઓએ ભાવનગર જિલ્લા તંત્ર, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા આ વિધાર્થીઓને પરત લાવવા માટે તથા જાણકારી માટે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબરની પણ જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓ અંગેનો કંઈપણ સંદેશો મળે તો રાજ્ય સરકારનો સંપર્ક કરવા માટેની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓ યુક્રેનમાં શિક્ષણ લઇ રહ્યાં છે અને આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપર્ક કરીને સતત તેમની પરિસ્થિતિ અને પરત લાવવા માટેના પ્રયત્નો સઘન રીતે કરવામાં આવી રહ્યાં છે.