મોડાસા અને બાયડના પ્રાંત અધિકારીએ છાત્રોના પરિવારજનોની જાત મુલાકાત લીધી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રશિયા અને યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને લઇ ભારતીયો વતન તરફ પરત ફરી રહ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના પાંચ છાત્રોનો સમાવેશ થાય છે. ત્યારે ચિંતાતુર પરિવારજનની અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી જાત માહિતી મેળવી હતી. એજ રીતે મોડાસા અને બાયડના પ્રાંત અધિકારીએ પણ યુધ્ધગ્રસ્ત સ્થિતિમાં ફસાયેલા પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કલેકટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ ઝુલ્ફીકાર હુસેન દાદુના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમના પુત્ર લુકમાન એહમદ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. લુકમાન એહમદ ખારકિવમાં તબીબી અભ્યાસ કરે છે અને શહેરમાં હુમલો થતાં તે અન્ય લોકો સાથે ખારકિવ શહેર છોડી ગયો હતો.હાલમાં લુકમાન એહમદ હાલ પોલેન્ડની સરહદે સહિ સલામત પંહોચી ગયો હોવાનું તેમના પરીવારજનોએ જણાવ્યું હતું
કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીશ્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે હોવાનું જણાવી પરીવારજનોને આશ્વાસન આપી ચિંતામુક્ત રહેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મોડાસાના પ્રાંત અધિકારી શ્રી અમીત પરમાર અને બાયડના પ્રાંત અધિકારી શ્રી ભાર્ગવ પટેલે અન્ય આવા પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી વિગતો જાણી હતી. આ અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપી હતી.