Breaking NewsLatest

વલ્લભીપુરમાં પાનની કેબિનધારકના પુત્રએ એરફોર્સની ટ્રેનિંગ પુરી કરી

રાંકનું રતન ઇન્ડિયન એરફોર્સના ગગનમાં ઝળહળ્યું

હીરા ઘસતી માતાના માટે દીકરો સાબિત થયો ‘કોહિનૂર હીરો’

એક વર્ષની ટ્રેનિંગ પુરી કરી માદરે વતન આવતાં યુવાનનું ગૌરવભર્યું સ્વાગત-સામૈયા

વલ્લભીપુર તા.૨૧

કહે છે કે, આસમાન મેં ભી છેદ હો શકતા હે, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના સંતાનો પણ શ્રમ, શક્તિ અને કૌશલ્યથી પોતાને જોઈતું ધ્યેય હાંસિલ કરીને જ ઝંપે છે. પરિવારનું ગુજરાન કરવા જે પિતા પાનની કેબિન ચલાવતા હોય અને સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે જે માં હીરા ઘસીને આંખોમાં સપના આંજતી હોય એનો પુત્ર ભારતીય એરફોર્સની ટ્રેનિંગ પુરી કરી પરત ફરે ત્યારે કેવુ લાગણીસભર વાતાવરણ સર્જાય એ દ્રશ્ય વલ્લભીપુર શહેરમાં રવિવારે જેમણે પણ જોયું, એ ઘટનાના સાક્ષી બન્યા, એ તમામે માતા-પિતાની સંતાનોને પગભર બનાવવાની મહેનતને અને એ સંતાન કે જેમણે માતા-પિતાની કાળી મજૂરીનું આસમાનની ઊંચાઈ જેટલું ફળ આપ્યું એમને સલામ કરી હતી. વલ્લભીપુર શહેરમાં એ યુવાનનું સ્વાગત-સામૈયું થયું ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

નામ એનું કલ્પેશ. પિતા રાજુભાઇ ડાભી પાનની કેબિન ચલાવે. વારે- તહેવારે સિઝન અનુસાર શહેરમાં શેરીએ શેરીએ ફરી ધાણી, દાળિયા, ખજૂર, ચીકી સહિતનું છૂટ્ટક વેંચાણ કરે. માતા અસ્મિતાબેન રત્નકલાકાર. આવા માતા-પિતાના સંતાન એવા કલ્પેશે વલ્લભીપુરની બ્રાન્ચ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં માધ્યમિકનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ આંખોમાં ઊંચી ઉડાનના સપના આંજી ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ દરમ્યાન વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં પ્રવેશ માટે પ્રયાસરત રહેલા કલ્પેશને એરફોર્સમાં તક મળી. એક વર્ષની સખ્ત ટ્રેનિંગ પુરી કરી રવિવારે માદરેવતન પરત ફરેલા જવાનનું સ્વાગત કરવા માનવ સેવા ગ્રુપ અને સમસ્ત કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ વલ્લભીપુરના ગૌરવ એવા જવાનનું જોરદાર સ્વાગત-સામૈયું કરી બિરદાવ્યો હતો.

વલભીપુર અંબાજી મંદિર પાસે રહેતા કલ્પેશ ડાભીને સત્કારવા સમાજની દીકરીઓએ સામૈયા સહિતની તૈયારીઓ કરી હતી. સમાજની નાની બાળાઓ દ્વારા તિલક-ચાંદલો કરીને જવાનના દૂખાણા લીધા હતા. ત્યારબાદ કોળી સમાજની વાડીએથી ડી.જેના તાલ સાથે અલગ-અલગ વિસ્તારમાં ગામલોકોએ જવાનનું શાલ ઓઢાડીને, ફૂલહાર કરીને સન્માન કર્યું હતું. ભાટીવાડા બહુચરાજી મંદિર ખાતે દર્શન કરીને મેઇન બજાર થઈને પોતાના ઘર તરફ નીકળેલી સ્વાગત યાત્રામાં લોકો દેશભક્તિના ગીતો સાથે ઝુમી ઉઠયા હતા અને બહેનોએ ગરબા સાથે ખુશી મનાવી હતી. વલભીપુરના તમામ સમાજના વેપારીઓ દ્વારા પણ કલ્પેશનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વગૃહે પહોંચતા દીકરીઓએ જવાનનું સામૈયું કર્યું હતું. ત્યારે માતાને સલામી આપતા સમયે માતા-પુત્ર ખુશીથી રડી પડ્યા હતા. હીરા ઘસીને દીકરાને ઉછેરનાર માતા પોતાના કોહિનૂર હીરા જેવા દીકરાને એરફોર્સના ગણવેશમાં જોઈ ખુશી અને ગૌરવથી પોતાના આંસુ રોકી શક્યા ન હતા. જીવનભરના સંઘર્ષનો થાક પુત્રએ આજે એક ક્ષણમાં જાણે ઉતારી દીધો હતો. માતા-પિતા અને પરિવાર માટે તો આજે સુખનો સૂરજ ઉગ્યો હતો.

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *