અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન ભવ્ય નજારો સર્જાશે
અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો
પ્રારંભ કરાવતા કલેકટરશ્રી આનંદ પટેલ
શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન અંબાજીમાં ભવ્ય નજારો સર્જાશે. આજે વહેલી સવારે અંબાજી ગબ્બર તળેટી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો સંતો- મહંતોની ઉપસ્થિતિમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, તા. ૮, ૯, ૧૦ ના રોજ અંબાજી ગબ્બર તળેટી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ મહાપરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે છીએ કે, ભારતભર અને આપણા પડોશી દેશોમાં શક્તિરૂપે માતાજી બિરાજમાન છે. તેવા અલગ અલગ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે ૨.૫ કિ.મી. ની લંબાઇમાં નિર્માણ કરવામાં આવેલું છે. આદિજાતિ સમાજ સહિત અલગ અલગ સંપ્રદાયના માઇભક્તો આ પરિક્રમામાં મહોત્સવમાં જોડાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે અંબાજી ગબ્બર ખાતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો આ પરિક્રમામાં જોડાય તેવી અપીલ કરું છુ.
આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી આર. કે. પટેલ અને માઇભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી