Breaking NewsLatest

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત

રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દુનિયાની કોઈપણ રેન્કિંગ સ્પર્ધામાં ઊભા રહેવા સક્ષમ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિ સાથે તૈયાર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારીથી દેશમાં આમૂલ પરિવર્તન આવશે તે નિશ્ચિત છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે વિસ્તૃત રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા, સ્નાતક તેમજ અનુસ્નાતકની પદવી મેળવી રહેલા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, રાય યુનિવર્સિટી વ્યક્તિત્વનું ધડતર કરી તેમજ રાજ્યના વિધાર્થીઓને પરિપક્વ માનવી બનાવવામાં અતુલ્ય યોગદાન આપી રહી છે. યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક સંસ્થા નથી પરંતુ સંસ્કૃતિ તેમજ સંસ્કારોના સિંચનનું કેન્દ્ર સ્થાન છે કે જે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરી તેઓને એક સારા નાગરિક બનાવી ઉજ્જવળ સમાજનું ઘડતર કરે છે. સમાજના પુન:નિર્માણમાં સામાજિક ભૂમિકા મુખ્ય ભાગ ભજવે છે. વિદ્યાર્થીકાળ સામાજિક વ્યવસ્થાનો પ્રારંભનો તબક્કો છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન અને પછી દરેક વ્યક્તિએ મુક્ત અને વિશાળ વિચારધારા સાથેનું વર્તન વિકસાવવું જોઈએ અને હંમેશા શક્યતાઓને વાસ્તવિકતાઓમાં પરિવર્તન કરવા પ્રયત્ન કરવો જોઈએ, માત્ર વાતો કરવાથી કે હાથ જોડીને બેસી રહેવાથી આ રૂપાંતરણ ન લાવી શકાય. જે આપણે આપણા જ્ઞાન, કૌશલ્ય, કર્મ અને બલિદાનથી જ કરી શકીશું.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનું વૈશ્વિક દ્રશ્યમાં રૂપાંતરણ થઇ રહ્યું છે. સ્ટાર્ટ- અપ, પેટન્ટ અને કોપીરાઇટ અત્યારના સમયની જરૂરિયાત છે. યુવાન સંશોધકો અને વિધાર્થીઓએ ઝડપથી બદલાતા અને પડકારરૂપ વાતાવરણને અનુકૂળ થવાની જરૂર છે. કૌશલ્ય નિર્માણ અને બહુશાખાકીય ક્ષેત્રોમાં ટેકનોલોજીનો ઉપયોગ કાર્યબળમાં પરિવર્તન લાવશે. આવનારા વર્ષોમાં માનવ સુખાકારી માટેના આ પ્રયાસમાં ખાસ કરીને ટેકનોલોજી મહત્ત્વનું પરિબળ બનશે. ટેકનોલોજી ખૂબ જ ઝડપી ગતિએ બદલાવ લાવી રહી છે. એકાદ – બે દાયકા પહેલાં સાંભળ્યું પણ ન હતું તેવા સ્માર્ટ ફોનની ક્રાંતિ, ઇન્ટરનેટ અર્થતંત્ર, 3D પ્રિન્ટિંગ, આઇઓટી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, રોબોટિકસ અને બ્લોક ચેઇન ટેક્નોલૉજી જેવા ફેરફારો થઇ રહ્યા છે. જે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકી વિધાર્થીઓને પ્રેરણા આપે છે.

શ્રી વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષણ એ સામાજિક મૂલ્યો સહિત જ્ઞાનનું યોગ્ય મિશ્રણ છે જે આપણા યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરી શકે છે. New Education Policy સુલભતા, ગુણવત્તા, સમાનતા, જવાબદારી અને પોષણક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે સ્પર્ધાત્મક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રેન્ક આપવા માટે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક ( GSIRF ) શરૂ કર્યું છે. રાય યુનિવર્સિટી પણ આવી માન્યતામાં ભાગ લઇ રહી છે એ પ્રશંસનીય બાબત છે. વિદ્યાર્થીઓ હવે આગળ ઉચ્ચ અભ્યાસ, નોકરી અથવા કોઇ પણ વ્યવસાય શરૂ કરશે ત્યારે આધુનિક વિષયો પર ચિંતન – મનન કરી ઇનોવેટિવ વિચારો પર રિસર્ચ કરી મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ – સિટી સ્માર્ટ – વિલેજ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી પ્રવર્તમાન સ્કીમોનો લાભ મેળવી સમાજ અને દેશ માટે એક પ્રેરક બળ બની રહેશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, આત્મસંતોષ માટે કોઈ અવકાશ નથી. પડકારો તમને બહેતર અને શ્રેષ્ઠ બનવાની તકો પૂરી પાડે છે અને સફળતાનું રહસ્ય સખત મહેનત પર રહેલું છે.

આપણે અન્ય લોકો પાસેથી અને સારી તકોના અનુભવોથી વધુ શીખી શકીએ છીએ. રાય યુનિવર્સિટીના પદવીધારક વિદ્યાર્થીઓ પ્રવર્તમાન વિદ્યાર્થીઓને અનુભવ અને કાર્યકુશળતાનું શાસક પરિબળ પૂરું પાડી દેશના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપતા રહેશે.

મંત્રી શ્રી વાઘાણીએ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન દ્વારા કારકિર્દીમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિધાર્થીઓને બુદ્ધિમત્તા સાથે શ્રેષ્ઠ તાલીમ અને માર્ગદર્શન આપવાના અથાક પ્રયાસો માટે અધ્યાપકશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

રાય યુનિવર્સિટીના આ ૮માં પદવીદાન સમારોહમાં શિક્ષા અને દીક્ષા લીધેલા કુલ ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડન્ટ-ડૉ. હરબીન અરોરા, પ્રોવોસ્ટ-ડૉ. અનિલ તોમર, રજિસ્ટ્રાર પ્રોફેસર લલિત અધિકારી, ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *