કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર ભારતમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે
ઉજવાતો હોલિકા દહનનો તહેવાર અરવલ્લી જીલ્લાના
મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધુળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવાય છે.
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે બક્ષીપંચ સમાજની વસ્તી રહે છે, એકજ ગામના કુલ બાર મુવાડા છે જેમાં દસથી બાર હજારની વસ્તી વસવાટ કરે છે. આ ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે, સમાજમાં કહેવત છે કે, દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતન જ’ તે મુજબ બારેબાર મુવાડાના લગભગ દસથી બાર હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌકોઈ ઢોલ-ત્રાંસા લાઠીઓ સાથેએક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે અને સમાજના મુખી રૂઢિગત રીવાજ પ્રમાણે હોળીની ખાધ કરતા કરે છે, ખાધનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહીંતનો સ્તંભ રોપવામાં આવે છે.
તમામ મુવાડાના લોકો અલગ-અલગ ગ્રુપ બનાવી સમુહમાં મહિલાઓ સહીત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર રમતા રમે છે ત્યાર બાદ ગણતરીની દસજ મીનીટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આગેવાનો સળગતા કાકડા હાથમાં લઇ ખુબજ જડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ- પાણીનો લોટો રાખી સામુહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છુટા હાથે શ્રીફળની સામુહિક આહુતિ આપતા હોય છે. આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થઇ બાઠીવાડાનો ઠાકોર સમાજ ધુળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે.
હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત
પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે ત્યારબાદ આજ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વરતારો એટલે કે, આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે. આમ આ વિસ્તારના બક્ષીપંચ સમાજના લોકોએ જુના વેર જેર ભૂલી જઈ એકમેક થઇ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ
અનોખી રીતે ઉજવણી કરે છે.