કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠાના હિંમતનગર કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લાના ૩૪૪ ખેડૂતોને ‘સ્માર્ટ ફોન સહાય યોજના’નું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૩૪૪ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે રૂ. ૧૯,૫૬,૦૮૯/-ની સહાય ચુકવાઇ.
રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને ૧.૮૪ લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરાઇ. તેમજ રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએ સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી હતી. ખેડૂતોને ખેતી ની સઘળી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલી બનાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કૃષિ ખેતીવાડી અધિકારીશ્રી વી. કે. પટેલ સહિત લાભાર્થિ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.