Breaking NewsLatest

સિવિલમાં ૧૫ મહિનામાં ૫૦ અંગદાન : ગાંધીનગરના બ્રેઇનડેડ તેજલબાના અંગદાનમાં બે કિડની, ફેફસા, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ૫૦ અંગદાતાઓના સત્કાર્યની સોડમ ઉમેરાઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૧૫ મહિનામાં ૫૦ અંગદાન પૂર્ણ થયા છે. મહત્વની બાબત એ છે કે, વર્ષ ૨૦૨૨ના પ્રારંભમાં એટલે કે ફક્ત ત્રણ મહિનામાં ૨૫ અંગદાનમાં સફળતા મળી છે.*

સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટયુટમાં આજે ૫૦૦મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ.આ સંખ્યાની દ્રષ્ટિએ કિડની ઇન્સ્ટીટ્યુટ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરનારી બીજા નંબરની સરકારી સંસ્થા બની છે.*

કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ડિમેમ્બર-૨૦૨૦માં સિવિલ હોસ્પિટલમાં અંગોના રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળી હતી. રીટ્રાઇવલ સેન્ટર એટલે કે જ્યાં બ્રેઇનડેડ વ્યક્તિના અંગોને કાઢીને પ્રત્યોરોપણ માટે મોકલવામાં આવે છે. શરૂઆતના સમયમાં બ્રેઇનડેડ થયેલ દર્દીના પરિવારજનોને અંગદાન અંગે જાગૃત કરવા તેમને સમજ આપવામાં ઘણાં પડકારોનો સામનો કરવો પડતો હતો.

આજે ૧૫ મહિનાના અંતે કાઉન્સેલીંગ અને અંગદાનની જનજાગૃતિના પરિણામે જ સિવિલ હોસ્પિટલના સેવા યજ્ઞમાં ૫૦ અંગદાતાઓની યશકલગી ઉમેરાઇ છે.

સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટે કાર્યરત SOTTOની ટીમના તમામ સભ્યોના સહિયારા પ્રયાસ અને સેવાભાવી સંસ્થાના સહયોગથી આજે જનજનમાં અંગદાનની જાગૃતિ પ્રવર્તી છે.

સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં દાખલ દર્દી જ્યારે બ્રેઇનડેડ થાય ત્યારથી લઇ અંગોના રીટ્રાઇલની પ્રક્રિયા પડકાર ભરેલી હોય છે.
બ્રેઇનડેડ દર્દીના પરિવારજનો અંગદાન માટે સહમત થાય પરિવારજનોમાં અંગદાનની જાગૃતિ આવે તે માટે કાઉન્સેલર્સ અને અંગદાનના પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલિપ દેશમુખ દ્વારા દર્દીના સ્વજનોને અંગદાન માટે પ્રેરવામાં આવે છે.જેના પરિણામે આજે લોકોમાં અંગદાનની જનજાગૃતિ પ્રવર્તી છે.
અંગદાનની સહમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ દર્દીના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ અને રીપોર્ટ્સ કરવામાં આવે છે. આ રીપોર્ટસ અંગદાન માટે બંધબેસે ત્યારબાદ જ બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. ત્યાં સર્જનનોની ટીમ દ્વારા અંગોને કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝીણવટ ભરેલી હોય છે. જેમાં પળે પળ સર્જનોની સતર્કતા, કોમ્યુનીકેશન, ખાસ કરીને હ્યદય અને ફેફસા જેવા અંગોમાં જે હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવનાર હોય તે તબીબો સાથે સંકલન અતિઆવશ્યક બની રહે છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૫૦ માં અંગદાનની વિગતો જોઇએ તો, ગાંધીનગરના ૨૭ વર્ષના તેજલબા ઝાલાને ત્રીજી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા 5 મી એપ્રિલના રોજ તેમનું એપ્નીયા ટેસ્ટ કરાવવામાં આવ્યું.એપ્નિયા ટેસ્ટમાં અંગદાન માટે સંતોષકારક પરિણામ આવતા તેઓને રીટ્રાઇવલ સેન્ટરમાં અંગદાન માટે લઇ જવામાં આવ્યા. બ્રેઇનડેડ તેજલબાના અંગોના રીટ્રાઇવલમાં બે કિડની, બે ફેફસા, એક લીવર અને એક સ્વાદુપિંડ મેળવવામાં સફળતા મળી છે.* જેને જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં 50 અંગદાનની સિધ્ધી અંગદાતાઓ અને તેમના પરિવારજનો તેમજ અમારી ટીમના સભ્યોને સમર્પિત છે. 50 અંગદાનમાં બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોની મહત્વની ભૂમિકા રહી છે. પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી ત્યારે જ આગળની પ્રક્રિયા શક્ય બની છે.
ડૉ. જોષીએ અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ લીસ્ટ ઘટાડવા અને જીવીત વ્યક્તિને અંગોની જરૂરિયાત ઘરાવતા દર્દીને અંગ આપવું પડે નહીં તે માટે બ્રેઇનડેડ દર્દીનું અંગદાન જ એકમાત્ર વિકલ્પ હોવાનું ભારપૂર્વક કહ્યું હતુ.
ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, 28 મી મે 2008 ના દિવસે કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતુ. આજે 14 વર્ષના અથાગ પરિશ્રમ બાદ આ સંખ્યા 500 એ પહોંચી છે. અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં અંગોનું રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત બનતા અનેક પીડીત વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *