અરવલ્લીના મોડાસા તાલુકાના મરડીયા (વરથું) ગામથી પાંચમાં તબક્કાના જળ અભિયાનનો પ્રારભ
જળસંકટને બદલે જળ સંચય પર્યાય બન્યું છે ગુજરાત–મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
અરવલ્લી જિલ્લામાં રૂ. ૨૭૧૯ લાખના ખર્ચે ૧૫૯૨ જળ સંચય કામો હાથ ધરાશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્યમાં જળ સંચય અર્થે આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યના મુખ્યમત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી પ્રારભ કરાવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના મરડિયા(વરથુ) ખાતેથી પાંચમાં તબક્કાના જળ અભિયાનનો શુભારંભ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે કરાવ્યો હતો.
વરથુ ગામના તળાવ ખાતેથી અભિયાનનો પ્રારભ કરાવતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું પરતું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના સંકટનું નિવારણ માટે ગામે-ગામે જળસંચયનો વિચાર અમલમાં મુક્યો,ગામમાં ચેક ડેમ ,ખેત તલાવડીનું નિર્માણ ,બોરીબંધ જેવા કાર્યોથી ગામનું પાણી ગામમાં રહે તેવી સુદ્દ્રઢ જળ વ્યવસ્થા કાર્યરત કરી.જેના પરિણામે છેલ્લા ચાર વર્ષમાં અરવલ્લી જેવા ઓછા પાણી ધરાવતા વિસ્તારોમાં ૮૦૦ લાખ ધન ફૂટ જળસંચય થયો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીની દીર્ધદ્રષ્ટિથી સુજલામ- સુફલામ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈથી પાણી આપવાનો તાત્કાલિક સમયે નિર્ણય લીધો હતો. જેનો અરવલ્લી અને સાબરકાંઠાનાં વિસ્તારોને લાભ મળી રહ્યો છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે હતું કે વરસાદની અનિયમિતતાને લીધે ભૂગર્ભની જળ સ્તર નીચા જતા રહ્યા હતા, પરંતુ જળ સંચય અભિયાનને પરિણામે ગુજરાત રાજ્ય આજે જળ સંકટતાને બદલે જળસંચયનું પર્યાય બની ગયું છે.
તેમણે રાજ્યની આ સરકારના ખેડૂતોની ચિંતા કરતી હોવાનું જણાવતા કહ્યું હતું કે, જળ અભિયાનથી કૂવા-તળાવોના જળ સ્તર ઉચા આવ્યા છે, જેને લીધે ખેડૂત બારેમાસ ખેતીના પાક લઇ શકે છે, તો વળી જળ સંચયનાં કામો આરંભાતા આદિજાતિ વિસ્તારો મનરેગા થકી રોજગારીના નવા અવસરો ઉભા થયા છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અરવલ્લી જીલ્લાના માલપુર-મેઘરજ અને મોડાસાના અમુક વિસ્તારમાં પાણીની અછત વર્તાતી હતી, પરંતુ સુજલામ-સુફલામ જળ અભિયાનથી પીવાના પાણી તથા ખેતી વિષયક પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલ આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરાકર દવારા છેલ્લા ચાર વર્ષમાં ખેત તલાવડી-ચેકડેમ નિર્માણ,તળાવો ઊંડા કરવા સહીત જળસંચયના ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જીલ્લાની જનતા માટે આનંદના સમાચાર એ છે કે તાજેતરમાં રૂ. ૧૮૭ કરોડના ખર્ચે માલપુર-મેઘરજના ૮૦ તળાવોને નર્મદાના નીરથી ભરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જળ સંચય અભિયાનના નોડલ અધિકારી અને અધિક્ષક ઈજનેરશ્રી એસ.એન.શાહે અરવલ્લી જિલ્લામાં હાથ ધરનાર કામોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૯૬ તળાવો ઊંડા કરવામાં આવશે જ્યારે ૭૮૮ ચેકડેમ ડીસીલ્ટીગ, ૪૩૨ નદી/વાંકળાની સફાઈ, ૧૬ ચેકડેમ રીપેરીંગ, ૨૫ નવા ચેકડેમ નિર્માણ તથા ૩૫ ટાંકી અને સંપના સફાઈ મળી કુલ ૧૫૯૨ કામો રૂ. ૨૭૧૯ લાખ ખર્ચવામાં આવશે.
જળ અભિયાનના શુભારંભ પ્રસંગે સિંચાઈ અને ખેત ઉત્પાદન સમિતિના ચેરમેન શ્રીમતિ હીરાબા ઝાલા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, પ્રાંત અધિકારીશ્રી અમિત પરમાર, પુરવઠા અધિકારીશ્રી મીતા ડોડીયા, અગ્રણી શ્રી ભીખાજી ડામોર. હસમુખ પટેલ, શામળભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, સહકારી અગ્રણી પ્રભુદાસ પટેલ સહિત આસપાસના ગ્રામજને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.