ખેરોજ PHC ના કર્મયોગી ડો. ચારેલની સેવાની સોડમ ચોતરફ મહેંકી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ આપાવ્યો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સરકારી દવાખાનાનું નામ પડે એટલે સ્વાભાવિક છે કે નાકનું ટેરવું ચડી જાય ત્યાંની સેવા, તબીબ અને સ્ટાફ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ વર્તાવે એવુ માનવુ જ અશક્ય બની જાય પરંતુ આનાથી વિપરીત જો તમે દવાખાનામાં પ્રવેશોને તમને સારી સારવાર મળે અને સ્વસ્થ્ય થઇ ને ઘરે જાવ તો ચોક્કસ નવાઇ લાગે જી, હા આવુ જ એક આરોગ્ય કેન્દ્ર છે.સાબરકાંઠા જિલ્લાના આદિજાતી વસ્તી ધરાવતા ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
જ્યાં અગાઉ વર્ષમાં માત્ર ૭૦ જેટલી પ્રસુતિ આ કેન્દ્રમાં થતી તેની સામે આજે મહિને ૭૦થી વધુ પ્રસુતિ આ આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવે છે. અઠવાડિયાના સાતે દિવસ ચોવિસ કલાક આ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ હોય છે આ બધા પરીર્વતનનું કારણ છે. ત્યાંના મેડિકલ ઓફિસર ડૉ. શીતલકુમાર ચારેલ
અલ્પ શિક્ષિત એવા આ વિસ્તારમાં રૂઢીગત કુરિવાજો અને અંધશ્રધ્ધાઓના કારણે મોટાભાગે દાયણ દ્વારા જ ઘરે જ પ્રસુતિ કરાવવામાં આવતી હતી. જેના લીધે ઘણીવાર પ્રસુતાઓ અકાળે મોતને ભેંટતી હતી. પરંતુ ડૉ. ચારેલ અને તેમની આરોગ્યની ટીમ આશા બહેનો, એ.એન.એમ દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને સમજાવામાં આવ્યા, સગર્ભા બહેનોનું અને માતાઓનું ખાસ કાન્સીલીંગ કરવામાં આવ્યું. સતત સંપર્ક અને સમજુતિના પરિણામે મહિલાઓમાં જાગૃતિ આવી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા થયા અને સંસ્થાકિય પ્રસુતિ માટે આવતા થયા. જેને પરીણામે આદિજાતી વિસ્તારમાં મહિલાઓ હવે આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ કરાવે છે. હાલમાં આદિજાતી વિસ્તાર ગણાતા ખેડબ્રહ્માના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિનાની ૭૦ થી વધુ પ્રસુતિઓ કરવામાં આવે છે.
ડો. ચારેલ અને તેમની ટીમ દ્રારા આ વિસ્તારમાં સેવાની સોડમ ચોતરફ પ્રસરતા લોકોને તેમના ઉપચારમાં શ્રધ્ધા જન્મી અને આ વિસ્તારમાં આરોગ્ય અંગે જાગૃતિ આવી. જે લોકો ડોક્ટર અને દવાખાના થી દૂર રહેતા તેવા આદિજાતીના લોકો ડોકટર પાસે આવવા લાગ્યા
ડો. ચારેલ જણાવે છે કે, ૨૦૧૪માં જ્યારે તેઓ અહિ ફરજ પર હાજર થયા ત્યારે અહિ વાર્ષિક ૭૦ જેટલી પ્રસુતિઓ થતી હતી. ઘરે પ્રસુતિઓ કરાવવાના કારણે આ વિસ્તારમાં માતા અને બાળ મરણ પ્રમાણ વધુ હતું. સરકાર દ્રારા માતા અને બાળમરણ અટકાવવા અનેક પ્રયત્નો છતાં પરિણામમાં કોઇ સફળતા મળી ન હતી.
ડો. ચારેલની મહેનતના પરીણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૭-૧૮માં ૮૩૫ પ્રસુતિ, ૨૦૧૮-૧૯માં ૧૧૩૯ પ્રસુતિ, કોરોનાના કપરા સમયમાં ૨૦૧૯-૨૦માં ૯૩૫ પ્રસુતિ, ૨૦૨૦-૨૧ માં ૮૪૭ પ્રસુતિ જ્યારે ૨૦૨૧-૨૨ ના જાન્યુઆરી માસ સુધીમાં ૬૦૦ થી વધુ સંસ્થાકિય પ્રસુતિ કરાવી છે. આ સાથે ડોક્ટર સાહેબે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ આપાવ્યો છે. જેના માટે ડો. શીતલકુમાર ચારેલની સેવાની કદર અને ફરજ નિષ્ઠાને જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. આ સાથે ડો. ચારેલને અગાઉના સ્વતંત્રતા પર્વે અને આ પ્રજાસત્તાક પર્વે જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.