Latest

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે.
“જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ જ માણસ જગતમાં ઇતિહાસ આપે છે.”

અર્ચના ભટ્ટ પટેલ ચરોતરના ધર્મજ ગામના વતની છે. ગુજરાતના કોઈપણ ખૂણે ન થતી હોય તેવી પ્રવૃત્તિથી તેઓ પોતાની ઓળખ ધરાવે છે.

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ સમગ્ર ગુજરાતના નકશામાં અલગ તરી આવે એવું ગામ છે.કારણ કે આ ગામની માળખાગત સગવડતાઓ,વ્યવસ્થા અને વિકાસ માટે તમારે તેમને અભિનંદન આપવા જ પડે!! આ ગામના મહત્તમ લોકો વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. અને ગામના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે.આ ગામના અર્ચના ભટ્ટ પટેલ કે જે એક સમયે અમદાવાદના રંગભૂમિના કલાકાર હતા અનેક નાટકોમાં તેમણે મહત્વની અને ચાવીરૂપ ભૂમિકા ભજવીને લોક હૃદયમાં પોતાનું સ્થાન અંકિત કરેલું.પરંતુ સમય સંજોગો કેવી રીતે કરવટ બદલે છે તે નક્કી નથી હોતું.અર્ચના ભટ્ટ પછીથી યુવાન વયે શૈલેષ પટેલ નામના યુવાન સાથે લગ્ન કરે છે.તેઓ હવે ધર્મજના વતની બને છે.એક દિવસ એક નાનકડું પક્ષી ઘાયલ હાલતમાં પોતાના ઘરે આવી જાય છે. તેને દીકરી ધરા કે જ્યારે ધરાની ઉંમર પણ માત્ર આઠ -દસ વર્ષ હતી.તે તેના પપ્પાને કહે છે કે મારે આ પક્ષીને મારે ઘરે રાખવુ છે! બસ ત્યાંથી એક કહાની કરવટ બદલે છે!

દીકરી ધરા એ પક્ષીને પોતાના ઘરમાં આશરો આપે છે.એ આશરા ધર્મ જીવન ધર્મ બની જાય છે.અર્ચનાબેનને પણ ધીમે ધીમે જગતના તમામ જીવો માટે સંવેદના જાગે છે. જો કે તેઓ રંગભૂમિના કલાકાર તરીકે 35 જેટલા નાટકોમાં કામ કરીને સંવેદનાના દ્યોતક તો હતા જ! તેનાથી પણ આગળ વધીને એમ કહી શકાય કે તેમણે 67 જેટલા પુસ્તકોનું લેખન તેઓએ એક એપ પર કર્યું છે અને 5 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે,એટલે સંવેદના તેનામાં ધરબાયેલી હતી જ! તે જીવસૃષ્ટિના લગાવમાં સ્વભાવ બની ગઈ.પછી તેઓએ રખડતા ભટકતા કુતરાઓ હોય કે પછી હોય અત્યંત ઝેરી એવા સ્નેકસ, બધાને પકડીને પોતાના એ ફાર્મમાં લઈ આવે છે. ત્યાં એની સેવા-સુશ્રુષા કરીને તેને ફરી તેના યથાસ્થાને મુક્ત પણ કરી દે છે!

પણ અર્ચનાબેન પ્રાણી-પક્ષીના રેસ્ક્યુથી અટકતા નથી એમને ગજબનો એવો શોખ છે કે વિદેશના અનેક પ્રકારના પક્ષીઓ જેમાં પોપટ, ચકલી, વાંદરા,ગરોળી જેને તમે ન જોયાં હોય એવા પ્રાણીઓ ઉછેરવાનો અને તેની માવજત કરવાનો મનસુબો ગુજરાતમાં તમને કોઈનામાં ન જોવા મળે તે અહીં દેખાશે!

પોતાની વાડીમાં પ્રાણી, પક્ષીઓ માટે સરસ મજાના પાંજરાઓ ઊભા કર્યા.તેને દેખરેખ અને સંભાળ રાખવા પગારદાર એવા 5/7 માણસો કામ કરી રહ્યા છે. સને 2024 માં તેમણે આ બધા કાર્ય માટે” ધૂન ચેરીટેબલ ટ્રસ્ટ” નામની એક સંસ્થા ઊભી કરી છે.આ સંસ્થાના માધ્યમથી પ્રાણી,પક્ષીઓના રેસ્ક્યુ માટેની કામગીરી થઈ રહી છે. આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં સર્પની પ્રજાતિઓ કુતરાની વિવિધ જાતિઓ અને બીજા ઘાયલ પશુ પંખીઓને પણ રેસ્ક્યુ કરીને પોતાના ફાર્મમાં લાવે છે. તેમને વેટનરી ડોક્ટર સારવાર આપે છે. અને ફરી તેને જ્યાં પોતાનું ઘર છે એવી જગ્યાએ તે જીવને છોડી દે છે. આ એક બહુ મોટું કાર્ય તેમના માધ્યમથી થઈ રહ્યું છે.

આ સંગ્રહાલય અથવા તો શું નામ આપીએ, પ્રાણી સારવાર કેન્દ્રની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમની પાસેથી જાણવા મળ્યું કે એક વિદેશી પોપટી કે જેનું ગર્ભાશય બહાર નીકળી જતું હતું તેને લગભગ બે મહિના સુધી સારવાર આપીને આ પોપટીને જીવતી તો રાખી એટલું જ નહીં પરંતુ ખૂબ આનંદપૂર્વક જીવી શકે તે માટેની તક તેઓએ તેને પુરી પાડી છે.

ફાર્મની આ વર્ષે મુલાકાત લેનાર 42 જેટલી શાળાઓ ધન્ય થઈ છે. જોકે તેમનું આ ફાર્મ હવે સરકારની ગાઈડલાઈન મુજબ પ્રદર્શન કે જોવા માટે બંધ છે. પણ કોઈ સંશોધનાત્મક દ્રષ્ટિથી અથવા લેખન નિદર્શનના હેતુ માટે મુલાકાત લે તો જરૂરથી તે જોઈ શકે છે. 200થી વધારે પ્રાણીઓને આશ્રય અહીં અપાઈ રહ્યો છે. જોકે અર્ચનાબેનના કહેવા મુજબ હમણાંથી આ ભારણ થોડુંક ઓછું કરવામાં આવ્યું છે અને કેટલાકને જીવોને પોતાના આશ્રય સ્થાનોમાં પરત મોકલી દેવામાં આવ્યા છે.
આ શોખનું પોષણ અર્ચના ભટ્ટ પટેલ કરી શક્યા છે કારણ કે તેઓ આર્થિક રીતે સધ્ધર છે. કારણ કે દર મહિને આ પક્ષીઓ પ્રાણીઓના ખોરાકનો ખર્ચ 1 લાખથી વધુ આવે છે.તે પોતે પદરના ખર્ચે ભોગવી રહ્યા છે.વળી આ વિષયમાં વધુ ઊંડાણ ધરાવવાની,પામવાની તેમની ગજબની જિજ્ઞાસા પણ છે.

અહીં એ પણ નોંધવું જોઈએ કે તેની દીકરી ધારા પટેલ આજે અમેરિકાની ડેલાવર યુનિવર્સિટીમાં વેટનરી સ્ટુડન્ટ્સ તરીકે અભ્યાસ કરી રહી છે. ઊંડાણપૂર્વક આ સજીવોના જીવન અને પોષણ માટે તે વિશ્વમાં મિશાલ બને તેવો મનોરથ સેવે છે! ગુજરાતમાં આટલા ઊંડાણપૂર્વક અને ભાવનાત્મક રીતે પ્રાણી-પક્ષીઓ અને પર્યાવરણ સાથે જોડાયેલા લોકો ઓછાં છે. તેથી અર્ચના ભટ્ટનુ કાર્ય વંદનપાત્ર છે.સુશ્રી અર્ચના ભટ્ટ પટેલને બે વિશેષ એવોર્ડ મળ્યા છે એક છે રાજુલ ભટ્ટ એવોર્ડ ફોર રેસ્ક્યુ તથા બીજો છે ઘર્મજ જ્યોતિ એવોર્ડ (પાટીદાર સમાજનો‌ એવોડૅ), ખૂબ મહત્વનો પ્રસાર ભારતી દ્રારા ઈન્ડીયન રેસ્ક્યુયર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.હું પર્યાવરણના એક સાધક તરીકે તેમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું.
–તખુભાઈ સાંડસુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *