જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ભારતીય જવાનોને રાખડી બાંધવામાં આવી હતી. આર્મીના જવાનો, NCC અને સહસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો જોવા મળ્યા.
સરહદ ઉપર ગરમી ઠંડી કે ચોમાસું જોયા વગર સતત 365 દિવસ દેશની રક્ષા કાજે ફરજ બજાવતા ભારતીય સેનાના જવાન ભાઈઓને જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ હેઠળ 5,000 થી પણ વધારે રાખડીઓ મોકલવામાં આવી હતી.
જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત દસમા વર્ષે સરહદ ઉપર ફરજ બજાવતા ફોજી જવાનો તેમજ જામનગર સ્થિત આર્મી, એન.સી.સી અને સહસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી, રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનોને સતત દસમા વર્ષે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં જામનગરની વિવિધ મહિલા સંસ્થાઓ મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો અને વિકાસ ગૃહોની અનાથ બાળાઓ દ્વારા એકઠી કરાયેલી રાખડીઓ સેનાના જવાનોને બાંધવામાં આવી હતી, સેનાના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા.
એક રાખી ફોજી કે નામ કાર્યક્રમના આયોજક ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી યોજાતા આ કાર્યમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના જવાનો દ્વારા ઓપરેશન સીંદુરની સફળતા બાદ બહેનોમાં જવાનોને રાખડી અને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.