૨૮ જેટલી વિવિધ સમિતિઓની કામગીરી અને મેળાના સુચારુ આયોજન અંગેની રૂપરેખા ઘડાઈ
શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે.પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં વહીવટદારશ્રીએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી મેળાના સુચારુ આયોજન અંગેની રૂપરેખા વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌએ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે.
આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓએ તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં પોતાને સોંપવામાં આવેલ કામગીરીઓ પૂર્ણ કરી દેવાની રહેશે.જેને પગલે સમીતિઓની કામગીરી અંગે ચર્ચા વિમર્શ કરવા વહીવતદારશ્રી આર કે પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી