Latest

આરોગ્ય સાથે સામાજિક સેવાના અનોખા ભેખધારી શ્રી ભરતભાઈ પરમાર

ભાવનગરની જનતાને માત્ર  રૂ.૧૦ માં અનલિમિટેડ આરોગ્યવર્ધક જ્યુસ પીવડાવે છે

સરગવો, બીટ, લીંબડો, આમળાં, હળદર, બીલા જેવાં આરોગ્યવર્ધક પીણાથી લોકોના સ્વાસ્થ્ય સુધાર સાથે સામાજિક સેવા

શ્રી ભરતભાઈ ભાવનગરમાં ૯ વર્ષ સુધી વ્યાયામ શિક્ષક તરીકેની સેવા આપીને વર્ષ:૨૦૧૪ માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પણ એવોર્ડ મેળવી ચૂક્યાં છે

ડાયાબિટીસ,બી.પી., કોલેસ્ટેરોલ, લોહીના ટકા ઓછા હોવાં, સ્નાયુની મજબૂતિ અને કેન્સર મટાડે તેવાં વિવિધ પ્રકારના જ્યૂસ લોકોને નિઃસ્વાર્થ ભાવે પીવડાવે છે

ભાવનગર નગરી એટલે સેવા, સમર્પણ, શિક્ષણ અને સંસ્કારની ભૂમિ….. અહીં તમે કોઈપણ ખૂણામાં ૧૦૦ મીટર જાઓ તો કોઈને કોઈ સેવાનો ભેખધારી, સામાજિક નિસબત સાથે સંકળાયેલા લોકો અનાયાસે આપને મળી જશે…

ભાવનગરમાં બજરંગદાસ બાપા જેવા અનેક સંતો-મહંતો અને પરબ જેવી જગ્યાઓ તથા અન્ય સેવાના ક્ષેત્રો આવેલા છે. તો પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રજા વાત્સલ્યતા તેના પ્રજાજનોમાં આજે પણ ધબકતી રહી છે.

આને લીધે જ કદાચ આપણાં લોકસાહિત્યમાં કહેવાય છે કે, ‘એક દિવસ કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, તારાં એવાં એવાં લઉં ઓવારણાં કે તને સ્વર્ગે ભૂલાવું શામળા’…

ભાવનગરના આવી જ એક માનવ સેવાના અનોખાં ભેખધારી છે. શ્રી ભરતભાઈ પરમાર…. કે જેઓ જ્વેલ સર્કલ, ભાવનગર ખાતે છેલ્લા ૯ વર્ષથી ટાઢ, તડકો અને વરસાદમાં પણ લોકોને આરોગ્યવર્ધક જ્યૂસ પીવડાવીને લોકોના સ્વાસ્થ્યવર્ધન સાથે સામાજિક સેવા પણ નિભાવે છે.

ડાયાબિટીસ,બી.પી., કોલેસ્ટેરોલ, લોહીના ટકા ઓછા હોવાં, સ્નાયુની મજબૂતિ અને કેન્સર મટાડે તેવાં વિવિધ પ્રકારના જ્યૂસ લોકોને નિઃસ્વાર્થ ભાવે પીવડાવે છે.

તેઓ ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ તથા બી.પી. માં ઉપયોગી થાય તેવો લીમડો, કારેલાં, પાલક, ગળો અને તાંદળજાનો જ્યૂસ બનાવે છે.

તો શરદી, કફ, ઉધરસમાં મદદરૂપ બને અને જેને ‘લાઈવ કફ સીરપ’કહેવામાં આવે છે તેવાં હળદર, કોથમીર, ફુદીનાનો જ્યૂસ બનાવે છે. તો લશ્કરની તૈયારી કરતાં યુવાનોમાં લોહીના ટકા વધે અને સ્નાયુની મજબૂતી વધે તે માટે બીટનો જ્યુસ બનાવે છે.

તો કેન્સરની ગાંઠ પણ ઓગાળી નાખે તેવું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે તેવા સરગવાનો જ્યુસ પણ લોકોને નિઃસ્વાર્થ ભાવે લોકોને માત્ર રૂ. ૧૦ માં અમર્યાદિત પીવડાવે છે.

વધુ મહત્વની વાત એ છે કે, તમે કોઈપણ પ્રકારનો જ્યૂસ પીવો તમારે માત્ર રૂ. ૧૦ જ આપવાનાં છે અને તે પણ તમે ગમે તેટલાં ગ્લાસ જ્યૂસ પી શકો છો.

વળી, આ પૈસા પણ તેઓ જાતે સ્વીકારતાં નથી. પૈસાના ડબ્બામાં તમે જાતે નાખી શકો છો. કહેવાનો મતલબ એ છે કે, તેઓ પૈસા માટે નહીં પરંતુ લોકોના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અને સેવાભાવથી પ્રેરાઈને આ કાર્ય કરે છે.

આ અંગે તેઓ કહે છે કે, તેઓ ભાવનગરમાં વેસ્ટર્ન રેલવેમાં ૯ વર્ષ સુધી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે અને વર્ષ:૨૦૧૪ માં તેમને ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે.

તેમના પિતાજી રજવાડામાં હવાલદાર તરીકે સેવા બજાવતાં હતાં. મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહેતાં હતાં કે, ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’… આ મંત્ર મારા પિતાજીએ અપનાવેલો અને તેમના સંસ્કારો મારામાં પણ આવ્યાં છે.

હું પણ લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટે અને પરોપકારવૃત્તિથી આ જ્યુસનું સેન્ટર છેલ્લા ૯  વર્ષથી જ્વેલ સર્કલ ખાતે ચલાવું છું. અને તેમના જ્યુસ સેન્ટર પરથી દરરોજ ભાવનગરના ૪૦૦ થી ૫૦૦ વ્યક્તિઓ જ્યૂસ પીવે છે.

કોરોના કાળમાં પણ તેઓએ તજ, લવિંગ, મરી, અજમો, લીંબુનો ઉકાળાનું દરરોજ ૨૦૦ વ્યક્તિઓને નિઃશૂલ્ક વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત તેઓ ભાવનગરની જાણીતી સમાજસેવી સંસ્થા નિજાનંદ પરિવાર માટે જૂના કપડાંનો સ્વીકાર કરે છે અને આ કપડાં સિહોર તાલુકાની જરૂરિયાતમંદ અને ગરીબ વસ્તીને નિઃશૂલ્ક આપીને કપડાં નહીં તેમના માટેનો ‘શણગાર’ બનવા માટેનું નિમિત્ત બને છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *