પત્રકારો નાં યોગ્ય પ્રશ્ર્નો માં અડધી રાતે પણ ઉભો રહીશ : જિજ્ઞેશ પટેલ
પત્રકારો એ નિડરતા થી લોક પ્રશ્નો ઉઠાવવા જોઈએ : સાંસદ પરબત પટેલ
બનાસકાંઠા જિલ્લા નાં પત્રકારો ABPSS જેવાં યોગ્ય સંગઠ્ઠન સાથે જોડાયા તે આનંદ ની વાત : ધારાસભ્ય અનિકેત ઠાકર
ABPSS નું પત્રકાર સુરક્ષા કાનૂન નું અભિયાન સમયોચિત : વીરજીભાઈ જુડાલ
પાલનપુર : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું બનાસકાંઠા જિલ્લા સંમેલન જિલ્લાના વિશાળ પત્રકારોની ઉપસ્થિતિ સાથે પાલનપુર ખાતે સંપન્ન થયું હતું.
શહેરના હેપી હોલ ખાતે આયોજિત આ જિલ્લા પત્રકાર સંમેલનમાં સવારથી જ ઉત્સાહના માહોલ વચ્ચે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના 300 થી વધારે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને એબીપીએસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલના આહવાનથી સંગઠન સાથે આધિકારીક રૂપથી જોડાયા હતા.
સવારે 10 વાગ્યે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલ અને પાલનપુર શહેરના ધારાસભ્ય અનિકેત ઠાકર તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ પત્રકાર સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોતાના સ્વાગત પ્રવચનમાં એ.બી.પી.એસ.એસના ગુજરાત પ્રભારી બાબુભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રીય સ્તર પર સંગઠન દ્વારા થઈ રહેલી કામગીરીનો ઉપસ્થિત પત્રકારોને ચિતાર આપવામાં આવ્યો હતો અને ગુજરાતના દરેક જિલ્લામાં સંગઠન જ્યારે વાયુવેગે આગળ વધી રહેલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પત્રકારોને પણ પત્રકાર સુરક્ષા કાનૂનની લડતમાં સામેલ થઈ સંગઠનમાં જોડાવા બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
સાંસદ પરબત પટેલ દ્વારા પોતાના પ્રસંગિક પ્રવચનમાં પત્રકારોને દેશના લોકતંત્રના આધારભૂત અંગ ગણી તેમના દ્વારા વ્યક્તિગત રીતે પત્રકારોને કાયમી સહયોગ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી તથા બનાસકાંઠા જિલ્લાના પત્રકારોને જિલ્લાના નીડરતાથી લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે આહવાન આપવામાં આવ્યું હતું.
પાલનપુર શહેરના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા પત્રકારોને દેશની ચોથી જાગીર ગણાવી તેમના યોગ્ય પ્રશ્નોમાં કાયમી સાથે રહેવાની ખાતરી આપવામાં આવી હતી સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે જે રીતે રાજ્ય અને દેશમાં ABPSS સંગઠન વિસ્તરી રહ્યું છે તે જોતાં બનાસકાંઠા જિલ્લાના પત્રકારોએ યોગ્ય સંગઠનની પસંદગી કરી છે તેવું આજે મને પ્રતીત થઈ રહ્યું છે.
અખિલ ભારતીય આંજણા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીરજીભાઈ ઝુડાલે (ચૌધરી ચા) પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો ખૂબ વિશાળ સંખ્યામાં એબીપીએસએસ સાથે જોડાયા છે ત્યારે અગામી સમયમાં તેમના કોઈપણ પ્રકારના કાર્યમાં તેઓ પત્રકારોની પડખે ઊભા રહેશે. ABPSS નાં પ્રદેશ કારોબારી સદસ્ય દિનેશ ગઢવીએ બનાસકાંઠા જિલ્લાના પત્રકારો માટે અગામી સમયમાં અનેક યોજનાઓ લાવવાની જાહેરાત કરી હતી.
સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની શરૂઆતથી લઈને અત્યાર સુધીની વિકાસ યાત્રાની પત્રકારોને માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે પત્રકારોના યોગ્ય પ્રશ્નો હશે તો સંગઠન કાયમ તેઓની પડખે ઊભું રહેશે તેમ જ અડધી રાતે પણ પત્રકારોના યોગ્ય પ્રશ્નોમાં તેઓ જવાબ આપવા માટે તેઓ તત્પર રહેતા હોય છે અને કાયમી તત્પર રહેશે. ABPSS એ સંગઠન નહીં પણ પત્રકારોનો દેશ વ્યાપી વિશાળ પરિવાર છે જે કાયમ પત્રકારોના હિત અને સલામતી માટે નીડરતાપૂર્વક કામગીરી બજાવી રહેલ છે.
પત્રકારોના સુખ-દુઃખમાં ભાગીદાર થઈ કાર્યરત થયેલા આ સંગઠનને આથી જ દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે અગાઉની બે ઓક્ટોબર ની પ્રસ્તાવિત પત્રકાર સુરક્ષા યાત્રા વિશે પણ તેઓએ પત્રકારોને માહિતી આપી આ યાત્રામાં તન મન અને ધન થી સહયોગ આપવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા સંગઠન સંરચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી(બાપુ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે નિલેશ પટેલની વરણી કરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લાના સંગઠન અને તાલુકાઓના સંગઠન માટે અગામી સમયમાં એબીપીએસએસની કોર ટીમ ફરી બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ સંગઠનની પસંદગી કરશે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. આભાર વિધી દશરથસિંહ સોલંકી (બાપુ) દ્વારા કરવામાં આવી હતી. આ પત્રકાર સંમેલનમાં બનાસકાંઠા જિલ્લાના વરિષ્ઠ પત્રકારોનું તેમ જ ઉપસ્થિત મહેમાનોનું અંબાજી માતા નો ખેસ પહેરાવી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પાલનપુર શહેરના જાણીતા અગ્રણી જાણીતા સામાજિક અગ્રણી દલસુખભાઈ અગ્રવાલ(તનુ મોટર્સ) શિવરામભાઈ પટેલ(શિવમ સેલ્સ કોર્પોરેશન), કેસરસિંહ રાજપૂત(હરસિદ્ધિ આધાર મોલ) તથા જિલ્લાનાં રાજકીય,સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત પ્રભારી બાબુલાલ ચૌધરી તથા પ્રદેશ હોદેદારો સર્વશ્રી મીનહાઝ મલિક(પ્રદેશ સંયોજક),જેણુભા વાઘેલા(પ્રદેશ મહામંત્રી) રામજીભાઈ રાયગોર(પ્રદેશ મંત્રી) દિનેશભાઈ ગઢવી (પ્રદેશ કારોબારી સદસ્ય) તથા દશરથસિંહ સોલંકી ની આગેવાનીમાં બનાસકાંઠા પત્રકાર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.