મનુષ્ય જીવનનો આધાર: વૃક્ષ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: પર્યાવરણના રક્ષણ અને ધરતીને નંદનવન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનનું આહ્વાન કર્યું હતું, જેને હકારાત્મક પ્રતિસાદ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાનને પૂરતો વેગ આપ્યો છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત ગાંધીનગરના ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે માહિતી નિયામક કે. એલ. બચાણી તેમજ અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના સબળ નેતૃત્વ હેઠળ માહિતી નિયામક કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર માહિતી પરિવાર દ્વારા જૂના સચિવાલય પટાંગણને હરિયાળું બનાવવા ગુલમહોર, પીપળો, કણજી, ચંપો, ઉંમરો, પારસ પીપળો તેમજ તિકોમા સહિતના વિવિધ ફૂલછોડ ઉપરાંત લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષારોપણ જ નહિ, પરંતુ આ વૃક્ષોને ઉછેરવાની સ્વૈચ્છિક જવાબદારી પણ માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે.
આટલું જ નહિ, માહિતી નિયામકની પ્રેરણાથી રાજ્યભરની તમામ પ્રાદેશિક માહિતી કચેરીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે પણ માહિતી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે, માહિતી કચેરીઓ દ્વારા કચેરી આસપાસના સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી આ સ્થળ પર ફરીથી ગંદકી ન થાય.