અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસીની ઝૂંબેશમાં પદાધિકારીઓને સહયોગ આપવા અપીલ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય તથા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગેરકાયદે દબાણો દૂર કરવા, રસ્તાઓ પહોળા કરવા તેમજ રસ્તાનાં ચાલું કામો પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ, સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી.
જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી.
આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક નિર્ણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિત ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), સુશ્રી દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટર હાર્દ શાહ , ઉચ્ચ પોલીસ અધિકારી,સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.