અમદાવાદ: ‘મેક ઇન ઇન્ડિયા’ અને સ્થાનિક ઉડ્ડયન વિનિર્માણને મોટા પ્રોત્સાહનરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2022ના રોજ ગુજરાતના વડોદરા ખાતે ભારતીય વાયુસેના (IAF) માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિનિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા બાબતોની મંત્રીમંડળની સમિતિએ 08 સપ્ટેમ્બર, 2021ના રોજ મેસર્સ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ S.A., સ્પેન પાસેથી 56 C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી કરવાની મંજૂરી આપી હતી.
24 સપ્ટેમ્બર, 2021 ના રોજ, સંકળાયેલા સાધનો સાથે એરક્રાફ્ટના હસ્તાંતરણ માટે સંરક્ષણ મંત્રાલયે મેસર્સ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, S.A. સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
27 ઓક્ટોબર, 2022 ના રોજ નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન આપતા, સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે, આ કરારના ભાગ રૂપે, 16 એરક્રાફ્ટની ડિલિવરી ફ્લાય-અવે સ્થિતિમાં કરવામાં આવશે અને ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના ટાટા કન્સોર્ટિયમ અને ટાટા કન્સલ્ટન્સિ સર્વિસિસ (TCS) દ્વારા TASLના નેતૃત્વ હેઠળ ભારતમાં 40 એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં ખાનગી કંપની દ્વારા ભારતમાં સૈન્યના વિમાનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે. આ એરક્રાફ્ટનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઇ શકે છે.
ડિલિવરીનું શેડ્યૂલ
શરૂઆતના 16 ફ્લાય-અવે એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2023થી ઑગસ્ટ 2025 સુધીના સમયમાં પ્રાપ્ત થવાના છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026થી મળશે તેવી અપેક્ષા છે.
એરક્રાફ્ટની ક્ષમતા
C-295MW એ સમકાલીન ટેકનોલોજી ધરાવતું 5થી 10 ટન ક્ષમતાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે જે IAFના જૂના એવરો એરક્રાફ્ટનું સ્થાન લેશે. તેમાં ઝડપી પ્રતિક્રિયા અને સૈનિકો તેમજ માલસામાનને હવામાંથી ડ્રોપ કરવા માટે પાછળના ભાગે રેમ્પ ડોર છે. અર્ધ-તૈયાર સપાટીઓ પરથી ટૂંકું ટેક-ઓફ/લેન્ડિંગ કરવાની તે અન્ય એક વિશેષતા ધરાવે છે. આ એરક્રાફ્ટ IAFની લોજિસ્ટિક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.
આત્મનિર્ભરતા
આ પ્રોજેક્ટ ભારતીય ખાનગી ક્ષેત્રને ટેકનોલોજી સઘન અને અત્યંત સ્પર્ધાત્મક ઉડ્ડયન ઉદ્યોગમાં પ્રવેશવાની અનન્ય તક આપે છે. તે સ્થાનિક ઉડ્ડયન ઉત્પાદનમાં વધારો કરશે જેના પરિણામે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે અને નિકાસમાં વધારો થવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, એરબસ દ્વારા પ્રત્યેક એરક્રાફ્ટ માટે આપવામાં આવતી કુલ માનવ કલાકોની રોજગારીમાંથી 90% હિસ્સો સ્પેનમાં તેમની વિનિર્માણ સુવિધા ખાતે આપવામાં આવે છે તેના બદલે હવે આ કામ ભારતમાં TATA કન્સોર્ટિયમ દ્વારા હાથ ધરવામાં આવશે. ટૂલ્સ, જીગ્સ અને ટેસ્ટર્સની સાથે સાથે ભારતમાં 13,400થી વધુ ડિટેલ પાર્ટ્સ, 4,600 પેટા-એસેમ્બલીઓ અને તમામ સાત મુખ્ય ઘટક એસેમ્બલીઓનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે. એન્જિન, લેન્ડિંગ ગિઅર, એવિઓનિક્સ, EW સ્યૂટ વગેરે જેવી વિવિધ સિસ્ટમ્સ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા પૂરી પાડવામાં આવશે અને TATA કન્સોર્ટિયમ દ્વારા તેને એરક્રાફ્ટ પર એકીકૃત કરવામાં આવશે.
TATA કન્સોર્ટિયમ દ્વારા એરક્રાફ્ટનું એક એકીકૃત સિસ્ટમ તરીકે પરીક્ષણ કરવામાં આવશે. TATA કન્સોર્ટિયમ સુવિધા ખાતે એરક્રાફ્ટનું ઉડાન પરીક્ષણ કરવામાં આવશે અને તેમના ડિલિવરી સેન્ટર દ્વારા ડિલિવરી કરવામાં આવશે.
તમામ 56 એરક્રાફ્ટ ભારતીય DPSU – ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડના સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યૂટ સાથે ફીટ કરવામાં આવશે. IAFને 56 એરક્રાફ્ટની ડિલિવરી પૂરી પાડ્યા પછી, મેસર્સ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસને ભારતમાં ઉત્પાદિત એરક્રાફ્ટ સિવિલ ઓપરેટરોને વેચવાની અને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ દેશોમાં નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
રોજગારીનું સર્જન
TATA કન્સોર્ટિયમે સાત રાજ્યોમાં ફેલાયેલા 125 થી વધુ ઇન-કન્ટ્રી MSME સપ્લાયર્સને ઓળખી કાઢ્યા છે. આ દેશની એરોસ્પેસ ઇકોસિસ્ટમમાં રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને તેનાથી ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં 42.5 લાખ કરતાં વધારે માનવ કલાકો સાથે 600 ઉચ્ચ કૌશલ્યની નોકરીઓ માટે પ્રત્યક્ષ રીતે, 3,000 થી વધુ નોકરીઓ માટે પરોક્ષ રીતે અને વધારાની 3,000 મધ્યમ કૌશલ્યની નોકરીઓ માટે તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. સ્પેનમાં એરબસ સુવિધામાં લગભગ 240 એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે.
પત્રકાર પરિષદ દરમિયાન સંરક્ષણ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી શ્રી અરમાણે ગિરધર, વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સંદીપ સિંહ, DG (એક્વિઝિશન) શ્રી પંકજ અગ્રવાલ અને સંરક્ષણ મંત્રાલય તેમજ વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.