મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરી
અંબાજી સર્કિટ હાઉસ ખાતે અંબાજીના વિકાસ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની એક દિવસની મુલાકાત લઈને અંબાજીના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્થળોની જાત મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરીને અંબાજીના વિકાસ અંગેની વિગતો મેળવી હતી ત્યારબાદ તેમણે તેલીયા નદી પર આવેલ પુલ અને રીંછડીયા ડેમની મુલાકાત લઈ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેક ડેમો બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કુંભારિયા જૈન દેરાસર અને અંબાજી નજીક આવેલ આરસની ખાણોની મુલાકાત લીધી હતી. અંબાજીને જોડતા રસ્તાની બંન્ને બાજુ પ્લાન્ટેશન કરવા અધિકારીઓને સુસના આપી હતી.
મુખ્ય સચિવશ્રીએ SAPTI (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ)ની મુલાકાત લઈ તાજેતરમાં યોજાયેલ શિલ્પોત્સવ તથા SAPTIની પ્રવૃત્તિઓની વિગતો મેળવી હતી. તેમણે કુંભારિયા ખાતે નિર્માણ પામેલ રહેલ વિચરતી- વિમુક્ત જાતિની વસાહતની મુલાકાત અને દિવાળીબા ભવન ખાતે નિર્માણ પામનાર પીપીપી મોડેલ આધારિત નવા ભવનની જગ્યાની મુલાકાત લીધી હતી.
મુખ્ય સચિવશ્રીએ અંબાજી સર્કિટ હાઉસ ખાતે અંબાજીના વિકાસ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને યાત્રાધામ અંબાજીને ટુરીઝમ હબ તરીકે વિકસે તેમજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુક્લાએ અંબાજીના વિકાસ અંગે વિવિધ વિભાગોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
મુખ્ય સચિવશ્રીની મુલાકાત પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અરુણકુમાર સોલંકી, ભૂસ્તર અને ખનીજ વિભાગના કમિશનરશ્રી રૂપવંતસિંઘ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલ, મુખ્ય વન સંરક્ષકશ્રી યુ.ડી.સીંગ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષરરાજ મકવાણા, મંદિરના વહીવટદારશ્રી આર.કે.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી