અંબાજી SAPTI ખાતે ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કક્ષાના ૨ જા શિલ્પોત્સવનો સમાપન સમારોહ યોજાયો
“પથ્થરોમાં પ્રાણ પૂરવા” અંબાજી ખાતે તા. ૨૦ જુલાઇથી યોજાઇ રહેલા શિલ્પોત્સવમાં સમગ્ર દેશના શિલ્પકારોએ પોતાની કલાના કામણ પાથર્યા
આપણા ભારતની મહાન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આ શિલ્પોત્સવના માધ્યમથી થયું છેઃ ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીભાઇ વિશ્વકર્મા
મંત્રીશ્રીએ અંબાજી ખાતે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા
કાળમિઢ પથ્થરને જીવંત કરવાનો એક અદભૂત કાર્યક્રમ યાત્રાધામ અંબાજીને આંગણે આજે સંપન્ન થયો છે. એક પથ્થરને જ્યારે કલાકાર તેનાં ટાંકણા વડે કોઈ આકાર આપે છે ત્યારે તે દેવત્વ ધારણ કરે છે અને સર્વ જગત તેને ભગવાનના રૂપે પૂજે છે.
કલાકાર પોતાનામાં રહેલી આંતરસૂઝ, સર્જનશક્તિના સહારે તેમાં પ્રાણ પૂરવાની જે કોશિશ કરે છે. તેને બળ આપવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર સંચાલિત બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સાપ્તિ) ખાતે તા.૨૦ જુલાઇથી રાષ્ટ્રીયકક્ષાના ૨ જા શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાપન સમારોહ આજે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અંબાજી સાપ્તિ ખાતે યોજાયો હતો.
પથ્થરમાં પ્રાણ પુરવાની કલાકારની આ શક્તિને જો કાવ્ય કંડિકામાં કંડારીએ તો એમ કહી શકીએ કે, ‘પથ્થર થર-થર ધ્રૂજે…એક હથોડી જ્યાં પડે, સારું જગત તેને પૂજે….
આ શિલ્પોત્સવ દરમ્યાન દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા શિલ્પકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા તે નિહાળીને મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણા ભારતની મહાન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આ શિલ્પોત્સવના માધ્યમથી થયું છે ત્યારે શિલ્પોત્સવમાં દેશભરમાંથી આવેલા તમામ શિલ્પકારોને અભિનંદન પાઠવી તેમની કલાને બિરદાવું છું.
મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણી સંસ્કૃતિના જતન માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૦૯માં ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સ્ટોન આર્ટીઝન પાર્કનું નિર્માણ કરાવ્યું હતું. આવનારા સમયમાં શિલ્પકળાના વિકાસ અને માર્કેટ માટે સાથે મળીને કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશ્નરશ્રી રૂપવંતસિંહે જણાવ્યું કે, રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી આપણે માઇનીંગ ક્ષેત્રમાં ખુબ સરસ કામગીરી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, શિલ્પકળાના પ્રચાર -પ્રસાર અને તેને વિકસાવવા માટે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સિપોઝીયમ શરૂ કરવાનું આયોજન છે. તેમણે શિલ્પોત્સવમાં ભાગ લેનાર તમામ શિલ્પકારો અને માઇનીંગ સાથે જોડાયેલા અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
શિલ્પોત્સવના સમાપન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિલ્પકારો દ્વારા ઉભા કરવામાં આવેલ વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમના કામ, કલા અંગેના વિચારો જાણી તેમના કાર્યને બિરદાવ્યું હતું. શિલ્પોત્સવમાં ભાગ લેનાર તમામ શિલ્પકારોને મંત્રીશ્રીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાપ્તિ સ્ટેટ નોડલ યુનિટના નિયામકશ્રી વીણા પંડ્યા, અંબાજી સેન્ટર સાપ્તિ ડિરેક્ટરશ્રી નીતિન દત્ત, બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી શ્રી સુભાષ જોશી સહિત અધિકારીઓ, માઇનીંગ લીઝના માલિકો અને શિલ્પકળા સાથે સંકળાયેલ કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી