ભાવનગર જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે પુન:વિકસિત સિહોર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી બિકાનેર રાજસ્થાનથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શિહોર રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે સિહોર જંકશન નું રૂ. 6.5 કરોડ, મહુવા રેલવે સ્ટેશન રૂ. 8.5 કરોડ, પાલીતાણા રેલવે સ્ટેશન રૂ. 4.12 કરોડના ખર્ચે પુન:વિકસિત કરવામાં આવ્યા છે.
આ તકે કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે ભારતીય રેલવે દેશની વિકાસ યાત્રાનું એન્જિન છે. ત્યારે રેલવે સ્ટેશનના આધુનિકરણથી લોકસુવિધામાં વધારો થશે.
વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનો પુન:વિકસિત થવાથી ભારતીય રેલવે આધુનિક અને આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યા છે. રેલવેના વિકાસને પણ સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજસ્થાનના બીકાનેર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતીય રેલવેએ દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનોને કાયાકલ્પ કરવાનું કામ શરૂ કર્યું હતું અને હવે 2 વર્ષથી ઓછા સમયગાળામાં, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુન:વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સિહોર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક રવેશ, હાઇ માસ્ટ લાઇટિંગ, આધુનિક વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય અને દિવ્યાંગજન માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પર આશ્રયસ્થાનો, કોચ સૂચક સિસ્ટમ્સ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે સ્થાપિત કરવામાં આવ્યા છે. બધી સુવિધાઓ દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવી છે. તે જ સમયે, દરેક સ્ટેશન પર ગુજરાતની લોક કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક પણ દેખાય છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથજી ટૂંડીયા, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, સિહોર પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા, આગેવાન શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી દિગુભા ગોહિલ, શ્રી કુમારભાઈ શાહ સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.