બનાસકાંઠા, સંજીવ રાજપૂત: “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેરમાં ફેઝ- ૨ ની “અમૃત કળશ યાત્રા” યોજાઇ હતી. શહેરના સરદાર બાગથી નીકળેલી આ ભવ્ય કળશયાત્રા મહારાણા પ્રતાપ હાઇસ્કુલ (એસ.સી. ડબલ્યુ. હાઇસ્કુલ) માં પહોંચી હતી. જ્યાં ગામે ગામથી સરપંચશ્રી અને તલાટીશ્રીઓ ગામની માટીના કળશ લઈ પહોંચ્યા હતા.
દરમિયાન શાળામાં ઉષ્માભેર આ કળશનો સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામડાઓ અને શહેરની પવિત્ર માટી ભરેલા કળશ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનારા શહીદ વીરોની યાદમાં દિલ્હી ખાતે “અમૃત વાટીકા” નિર્માણ થનાર છે. જેમાં દેશના ગામેગામથી માટીનો ઉપયોગ થવાનો છે. તેમને દેશ અત્યારે અમૃત પર્વ ઉજવી રહ્યો હોવાનું ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈએ દેશ સેવા માટે દિવસ- રાત પોતાની જાતને સમર્પિત કરી છે. અમૃતકાળના આ સમયમાં તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. અમૃત વાટિકા બનાવવા માટે ગામેગામથી માટીને પહોંચાડવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ-બહેનો, વડીલો અને બાળકોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શપથ લીધા હતા. અમૃત કળશ યાત્રામાં બાળકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. ત્યારે શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા પાલિકા પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે, ઉપ-પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, જિલ્લા પંચાયતના સદસ્ય રાજાભાઈ પટેલ, ડીસા નાયબ કલેકટર નેહાબેન પંચાલ, ઇન્ચાર્જ ટીડીઓ વિપુલભાઈ સાંખલા, ગ્રામ્ય તથા શહેરના મામલતદાર સહિત કર્મચારીઓ, શહેરના આગેવાનો, ભાઈઓ-બહેનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.