આદિવાસીનો દીકરો ઉદ્યોગપતિ અને એન્જીનિયર બને એવું કામ આ સરકારે કર્યું છે :મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું
તા. ૯ મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની દાંતાની આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રીબલવંતસિંહ રાજપૂતના અધ્યસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ વિભાગ અને આદિજાતિ સમાજ દ્વારા મંત્રીશ્રી શ્રીબલવંતસિંહ રાજપૂત અને મહાનુભવોનું પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સુરમાઓએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયકશ્રી ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.
આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે આદિવાસી સમાજને સમાજની મુખ્યધારામાં લાવવા માટે રાજ્ય સરકારે વનબધું યોજના અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી વનબધુઓને અનેક પ્રકારે મદદ પહોંચાડી છે.
વધુમાં મંત્રીશ્રીએ આદિવાસીનો દીકરો ઉદ્યોગપતિ અને એન્જીનીયર બને એવું કામ આ સરકારે કર્યું છે એમ જણાવી રાજયના આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકાર દ્વારા અમલી બનાવાયેલી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ આદિવાસી સમાજ આગળ વધે એવી માં અંબા ને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેક અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. તેમજ ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં તથા રમતગમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસી રમતવીર વિદ્યાર્થી બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ગુણસદા ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું
કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અગ્રણી સર્વશ્રી લાધુભાઈ પારઘી, શ્રી નિલેશભાઈ બુંબડીયા, શ્રી રવીન્દ્ર ભાઇ ગમાર, આદિવાસી આગેવાશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો અને આદિવાસી સમાજ ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી