ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન બન્યા, વિવિધ કાર્યક્રમ સાથે સન્માનિત પત્ર અપાયા
આજે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી 2025 એટલે કે 76 મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે,
ત્યારે બનાસકાંઠા જિલ્લામા 26મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસનો કાર્યક્રમ શક્તિપીઠ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો.
બે કલાકના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ હાજર રહ્યા હતા. મંત્રી ની હાજરીમાં ધ્વજ વંદન કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
બનાસકાંઠા પોલીસ દ્વારા સૌપ્રથમ પરેડ શરૂ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિભાગના ગ્રુપો જોડાયા હતા.ખુલ્લી જીપમાં બેસીને મંત્રી અને અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર સમગ્ર ગ્રાઉન્ડનો નજારો જોયો હતો. ત્યારબાદ વિવિધ ટેબલો પણ ગ્રાઉન્ડમાં રજૂ થયા હતા.
સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ કાર્યક્રમમાં હાજર રહ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ નું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનો પણ આવનારા સમયમાં વિકાસ જોવા મળશે અને અંબાજી ખાતે પણ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યોની શરૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે 76 મા ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી.જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ માટે ખડેપગે જોડાઈને કાર્યક્રમ વધુ સુંદર બનાવ્યો હતો.
આ પ્રસંગમાં બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ વિભાગમાં સુંદર અને સરસ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ, શાળાના શિક્ષકો, આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગ, શાળાના બાળકો, અને સાહસવીરોનું પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, સહીત વહીવટી અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં ડોગ શો અને અશ્વ શો દ્વારા સુંદર તરકીબો રજૂ કરાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શાળાના બાળકો દ્વારા યોજવામાં આવ્યો હતો.
શક્તિ સેવા કેન્દ્ર દ્વારા બેગ પાઇપર બેન્ડ ની સુંદર રજૂઆત કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રીડર પીઆઇ બીકે જોષી દ્વારા કરાયું હતું. આજના પ્રસંગમાં આવેલા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજ ને સલામી આપી હતી.પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો. વિવિધ ધારાસભ્યો અને બનાસકાંઠાના સાંસદ સહિત વિવિધ લોકો કાર્યક્રમ જોવા આવ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી