પાલનપુર, સંજીવ રાજપૂત: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ બાબુભાઇ પટણી એ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ વિચરતી વિમુક્ત સમુદાયોના અગ્રણીઓ અને લોકોની રજૂઆતો સાંભળી હતી.
ભરતભાઈ પટણી એ જણાવ્યું કે બનાસકાંઠામાં 40 વિચરતી જાતિના વસતા 15 લાખ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે એ માટે આજે એમના માટે એક વર્કશોપ નું આયોજન કરી એમના આવાસ, રેશન કાર્ડ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી.
તેઓએ કહયું કે કેન્દ્ર સરકારે 2020 માં વેલફેર સ્કીમ બનાવી અને વંચિતોના વિકાસ માટે બે સદસ્યની ટીમ બનાવીને 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ભારતના દરેક જીલ્લામાં સદસ્ય પ્રવાસ કરી તેમના પ્રશ્નોનો નિરાકરણ લાવી ભારત અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી કોઈ વંચિત રહી ના જાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના દરેક જિલ્લામાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ માટે તેમને મળતા લાભો અને છેક છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચે અને ખાસ રોટી ,કપડા ,મકાન અને શિક્ષિણથી કોઈ વંચિતના રહે એ લાભો પહોંચાડવા માટે આ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય કાર્ય કરી રહ્યુ છે
વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ વડગામ તાલુકાના જલોત્રા અને મેરવાડા ગામે બનેલ વિચરતી જાતિ માટે વસાહતની મુલાકાત લીધી અને તેમના પ્રશ્નોની ચર્ચા કરી તેમજ વણઝારા જાતિના લોકોના ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં જઈ મુલાકાત કરી તેમને મળતા લાભો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી.
ત્યારબાદ ડીસા ખાતે નારાયણી સંમેલન મહારાણા પ્રતાપ સ્કૂલમાં હાજરી આપી હતી. ચંડિસર ગામના વિચરતા સમુદાયના લોકોને મળેલ રહેણાંકની જમીન બાબતે સ્થાનિકો દ્વારા થઇ રહેલ વિરોધની બાબતને ધ્યાને લઇ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ભીખ માંગીને ખાવાનો સમય પૂરો થઇ ગયો છે. ઘરે ઘરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આપણા સુધી આવી રહ્યો છે.
એટલે રથના માધ્યમથી કોઈ યોજનાથી બાકી રહેલ લાભાર્થીને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ આપણા યુવાનો ભણી ગણી ને કોઈ સારો ઓફિસર બને દેશ માટે અગ્નિવીર અને આર્મી જેવી નોકરી મેળવી રાષ્ટ્રસેવા કરે એમ જણાવ્યું હતું.
આજે સરકાર આપણી સતત ચિંતા કરીને સમાનતાની હરોળમાં વંચિત વર્ગ કઈ રીતે આવી શકે તેવા તમામ પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કઢાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વંચિત સમુદાયોનો વિકાસ કરવા સરકાર પ્રતિબદ્ધ છે એ વિકાસના પ્રવાહમાં આપણો વિકાસ થાય એ માટે આપણે પોતાને આગળ આવુ પડશે એમ અપીલ કરી હતી.
આ પ્રસંગે જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) એન.કે. ગામેતી, નાયબ નિયામક (અ.જા.) મનિષ સોલંકી,પોલીસ ઇન્સ્પેકટર સુરાજભાઈ પટણી, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન તેમજ મોટી સંખ્યામાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.