ભાવનગર શહેરનું અનુપમ અને પવિત્ર સ્થાન એવા અક્ષરવાડી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે આપણા તમામ ધાર્મિક ઉત્સવો તથા રાષ્ટ્રીય પર્વોની ખૂબ જ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
તા. ૨૬ જાન્યુઆરીના રોજ અક્ષરવાડી મંદિરે રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ કલાકે મંદિરના પોડિયમ ઉપર વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ ધ્વજ વંદન કર્યું હતું. ઉપસ્થિત કોઠારી સંત યોગવિજય સ્વામી, ત્યાગરાજ સ્વામી, મંદિરના તમામ સંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોએ રાષ્ટ્રગાન સાથે દેશના તિરંગાને સલામી આપી હતી. મંદિરના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા યુવકોએ દેશભક્તિ ગીતો રજૂ કરી સૌના અંતરમાં દેશપ્રેમને ઉજાગર કર્યો હતો.
આ પ્રસંગે પૂજય સોમ પ્રકાશ સ્વામીએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં સાચી સ્વતંત્રતા તથા ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવ્યું. દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર દેશ ભક્તોના આપણે સદાય ઋણી રહીશું. તેઓ તો પોતાનું કાર્ય કરી ગયા પણ હવે આપણે સૌએ ભારત દેશ માટે ફરજ અદા કરવાની છે. દરેક ભારતીય પોતાની ફરજ બરાબર બજાવે તો તે પણ સાચી રાષ્ટ્ર સેવા છે.
વિદ્યાર્થીઓ મોબાઇલ વગેરેના બંધનમાંથી મુક્ત થઈ સારામાં સારો અભ્યાસ કરે તે પણ રાષ્ટ્ર સેવા છે. દરેક ભારતીયો બંધારણના નિયમો પાળે, વ્યસનો, દુષણો, કુસંગથી મુક્ત બને અને આપણું અધ્યાત્મ જીવનમાં અપનાવે તો મોટામાં મોટી રાષ્ટ્ર સેવા થઈ શકે છે.
અંતમાં ભારત માતાકી જય અને વંદે માતરમ્ એ રાષ્ટ્રિય નારા ના બુલંદ જય ઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આજના દિવસે મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિઓ ને રાષ્ટ્રિય પર્વ ને અનુરૂપ શણગાર ધારણ કરાવવામાં આવ્યા હતા.