કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉધોગ અને પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી સરળ બનશે
લાભપંચમના દિવસે શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા કરશે પ્રવાસ
પોરબંદર તા. 25/10/2025
પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતના કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઈટ આવતીકાલે તા. 26/10/2025ના રોજ લાભ પાંચમના દિવસથી શરૂ થનાર છે.
નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપાર ઉધોગને ગતિ મળશે, તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા નવી ફ્લાઈટ શરૂ થતા હવે લોકોને મોટી રાહત અનુભવાશે.
લાભપંચમથી શરૂ થઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઈન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિનો મોટા પાયે વિકાસ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે. વળી સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ-જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે. કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ બે નવી ફ્લાઈટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળશે, કનેક્ટિવિટી સુદ્રઢ થતા વેપાર રોજગારને પણ ગતિ મળશે.
કાલે લાભપાંચમના દિવસે શરૂ થનાર એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. માંડવિયા રાજકોટ આવશે.
















