અંબાજી, રાકેશ શર્મા: માહિતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેને આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે ખુલ્લું મુકાયું હતું.
માહિતી ખાતાની કચેરીના આ પ્રદર્શનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેની માહિતી આપવામાં આવી છે. તેમજ યોજનાના લાભથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓના મંતવ્યો પણ ડિસ્પ્લે પર દર્શવવામાં આવ્યા છે. જેના થકી મેળામાં આવતા લાખો માઇભક્તો સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બની રહેશે અને તેનો લાભ લેવા માટેની માહિતી મેળવી શકશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, ન્યુ સ્ટાર્ટઅપ, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સહિત સામાજિક આર્થિક ઉત્કર્ષની વિગતો અને માહિતી દર્શાવતું આ પ્રદર્શન મેળામાં આવતા લાખો યાત્રિકો માટે સરકારની અનેક યોજનાઓની માહિતી એક જ સ્થળેથી પ્રાપ્ત કરી શકવાનું ઉત્તમ માધ્યમ બની રહેશે.
આ પ્રદર્શનના ઉદ્ધઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, સિનિયર સબ એડિટર રેસુંગ ચૌહાણ, માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયક અને શ્રી જીગર બારોટ, સુપરવાઈઝરશ્રી ગુલાબસિંહ પરમાર, ફેલો મુકેશ માળી સહિત નિહારિકાના અમદાવાદ અને પાલનપુરના ફોટોગ્રાફરઓ ઉપસ્થિત રહ્યા હતા.