મેળામાં સ્વાસ્થ્યથી માંડી સેનિટેશન સુધીની વ્યવસ્થાઓનું સુંદર આયોજન થયું છે:–વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળાના આજે બીજા દિવસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.
અધ્યક્ષશ્રીએ જગદજનની માં અંબે સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. અધ્યક્ષશ્રીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભજન કરતા ભજનીકો સાથે બેસી ભજનના શૂરમાં શૂર પુરાવ્યો હતો.
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં અંબાજી મેળામાં આવતા પદયાત્રિકોને સ્વચ્છતા જાળવવાના અનુરોધ સાથે સેવાધર્મ નિભાવતા સેવાભાવી લોકોની સેવા ભાવનાને બિરદાવી હતી. લાખો લોકો અંબાજી માં જગદંબાના આશીર્વાદ લેવા આવે છે.
મેળામાં સ્વાસ્થ્યથી માંડી સેનિટેશન સુધીની સુંદર વ્યવસ્થાઓ અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જે બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળે છે જેનો યાત્રાળુઓ લાભ લે છે. કામની સાથે લોકોની સેવા ભાવનાને સમજી એ ભાવ જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મંદિરના મહારાજોએ અધ્યક્ષશ્રીને માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઈ. શેખ, વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી