અમદાવાદ, સંજીવ રાજપૂત: સમગ્ર દેશમાં 76મા પ્રજાસતાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ સમારોહ ઊજવાયો હતો. ધંધુકાની કિકાણી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઊજવાયું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યઓ તથા અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., ડીડીઓ વિદેહ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની હતી.
આ અવસરે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ ધ્વજ ફરકાવી સલામી આપીને ઉપસ્થિત સૌ નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર સ્વાતંત્ર્યવીરોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી હતી.
મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણે બંધારણને લીધે સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ હાંસલ કર્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતાં આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઊજવ્યો હતો, આ પ્રકારની ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસયાત્રાનું સ્મરણ કરાવે છે.
તેમણે મહાપુરુષોને યાદ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રનિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા વડે બ્રિટિશ હુકુમતને ઝુકાવી અને સરદાર પટેલે પોતાની મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણની કામગીરી સંભાળી. તેમણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, બટુકેશ્વર દત્ત જેવા મહાપુરુષોને પણ યાદ કરી વંદન કર્યા હતાં. આ ઉપરાંત વિદેશની ભૂમિ પર રહી સ્વાતંત્ર્ય માટેનો જંગ છેડનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભિખાઇજી કામાને પણ યાદ કરી નમન કર્યા હતા.
અમદાવાદના વિકાસ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. રાજ્યમાં સૌથી મોટી વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદે ભારતના માન્ચેસ્ટર તરીકે તેમજ સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે સાથે વિકાસના વિવિધ આયામો સર કરીને દેશ વિદેશમાં ગુજરાત અને ભારતની શાન વધારી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, અમદાવાદ જિલ્લો કાયમ અવ્વલ રહ્યો છે, આઝાદીની લડત હોય કે આજીવિકાની બાબત અમદાવાદે હંમેશાં નવો રાહ ચીંધ્યો છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું અને આ વિચારને અનુરૂપ આપણે ગરીબો અને વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીશું.
મંત્રીએ દેશની એકતા અને અખંડિતતા વિશે વાત કરતાં જણાવ્યું કે, સમગ્ર સમાજમાં સમાનતાની ભાવના વિકસે એ અત્યંત જરૂરી છે. સામાજિક સમરસતા જ સમાજની એકતાનો આધાર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સમાનતાની વાત આવે નાત-જાત-કોમની સાથે સાથે સ્ત્રી પુરુષ સમાનતા પણ એટલી જરૂર છે.
મંત્રીએ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતાં કહ્યું કે, આપણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને જળ, જમીન અને પ્રકૃતિનું સંરક્ષણ કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું જોઈએ. તેમણે આજના અવસરે સલામત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં જેઓનું યોગદાન છે તેવા સશસ્ત્ર દળો, પોલીસ અને અર્ધ લશ્કરી દળોના જવાનોને પણ કૃતજ્ઞતાપૂર્વક વંદન કર્યા હતા.
મંત્રીએ ઉપસ્થિત સૌને આહ્વાન કરતાં કહ્યું કે, આપણા બંધારણીય આદર્શો અને લોકશાહીનાં મૂલ્યોને અનુસરીને વિકસિત ભારતના નિર્માણમાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર 18 જેટલા કર્મીઓ અને પોલીસ ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ તથા હોમગાર્ડના જવાનો દ્વારા અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાહસ અને શૌર્યથી ભરપૂર સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરાઈ હતી તથા સાયબર સુરક્ષા જેવા સાંપ્રત વિષયો પર આધારિત શેરીનાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા યોગનું મહત્ત્વ સમજાવી, સૂર્યનમસ્કાર તથા યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝારથી સમગ્ર માહોલ દેશભક્તિથી ગુંજી ઊઠ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, ધંધુકા પ્રાંત અધિકારી વિદ્યાસાગર, બાવળા પ્રાંત અધિકારી હિતેશ જોશી, ધંધુકા મામલતદાર વિજય ડાભી, તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, જિલ્લાના અને સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.