નિયમ વિરુદ્ધ કર્મચારીઓની ભરતી જરૂર કરતાં વધુ સ્ટાફની ભરતી લાગવગીયાને લાખોની લ્હાણી નિષ્પક્ષ તપાસની માંગ
વલ્લભીપુર નગરપાલિકા ખાતે ઘણા લાંબા સમયથી ગેરકાયદે અને નિયમોને નેવે મૂકી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેની નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે તો ખુબ મોટું કોભાંડ ખુલ્લું પડે તેવું ચર્ચાઈ રહયું છે.
ત્યારે વલ્લભીપુર નગરપાલિકા દ્વારા લાંબા સમયથી મહેકમ કરતા વધારે પ્રમાણમાં કર્મચારીઓને લાગવગ અને સબંધોના ધોરણે નોકરી આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
વલ્લભીપુર નગરપાલિકા ખાતે ઘણા લાંબા સમયથી ગેરકાયદે અને નિયમોને નેવે મૂકી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેને લઇ થોડા સમય પહેલા અમુક નગરસેવકોએ આ બાબતે લેખિત ફરિયાદ જવાબદાર તંત્રને કરી હતી, જેમાં જણવ્યા મુજબ પાલિકામાં ભરતી પ્રક્રિયા સરકારના નીતિ-નિયમો વિરુધ કરેલ હોય અને મહેકમ કરતા વધારે કર્મચારીઓને રાખી ન શકાય તેમ છતાય પાલિકાના જવાબદારોએ વધુ કર્મચારીઓ રાખ્યા છે.
જેના કરોડોના પગાર પાલિકા ચૂકવી રહી છે. જેની જવાબદારી અમારી નહી રહે તેવી અમુક નગરસેવકોએ પાલિકાના અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. જેને લઇ પ્રાદેશીક નિયામક કચેરીએ પત્ર પણ લખવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાએ પત્રના અનુસંધાને પાલિકાના ચીફ ઓફિસરને વલ્લભીપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ૧૯૭૧ /ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓ મુજબ ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવા બાબતે પત્રમાં જણાવ્યું હતું.
તેમજ વધારાના રોજમદાર કર્મચારીઓને નિયમોનુસારની પ્રક્રિયા કરીને છુટા કરવા અને મહેકમને ધ્યાનમાં રાખી ખાલી જગ્યાઓ પર ૧૧ માસના કારર આધારિત કર્મચારીઓને ફિક્સ પગારથી રાખીને પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાને જણાવવા આદેશ આપ્યો હતો, તેમ છતાંય આજ દિન સુધી પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, તેમજ જવાબદારોએ કાર્યવાહી કરી નથી અને જીલ્લા અધિકારીઓના આદેશોને ઘોળીને પી ગયા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ સુધીમાં સરેરાશ ૪૦ જેટલા કર્મચારી મહેકમ કરતા વધારે છે જેમના એવરેજ પગારની ગણતરી કરવામાં આવે તો માસિક ૧૨૫૦૦ લેખે ૪૦ મહેકમનો અંદાજીત પાંચલાખનો પગાર વધુ ચુકવવામાં આવે છે. તે હિસાબે વાર્ષિક ગણતરીએ સાઈઠ લાખ અને સાત વર્ષના હિસાબે ચાર કરોડ વીસ લાખ રૂપિયાનો પાલિકા પર બોજો પડ્યો છે જે કાગળ ઉપર થયેલો ગેરકાયદે ભ્રષ્ટાચાર છે. જેની વિજીલન્સ તપાસ કરવામાં આવે તો કરોડોનું કોભાંડ બહાર આવે તેમ છે. આ બાબતે તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ ઉઠવા પામી છે.
અહેવાલ: ધમૅન્દ્રસિંહ સોલંકી – વલભીપુર