ભાવનગરનાં કુંભારવાડાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના ૨૦ વર્ષોના વિકાસની ગાથા સાથે અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિકાસરથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ-ફિલ્મો નું નિદર્શન કરી દરેક શહેર તથા ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયનું વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કારરવાની સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા ખાતે વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા છેલ્લા તબક્કામાં છે ત્યારે ભાવનગરનાં કુંભારવાડા વિસ્તારમાં યાત્રાનું સ્વાગત સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ છેલ્લા ૨૦ વર્ષમાં સરકારની વિવિધ યોજનાથી લોકોના જીવન ધોરણ તથા સગવડમાં થયેલા વધારા અંગે જાણકારી આપી હતી
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલિયા, કોર્પોરેટરશ્રી, શાળાના શિક્ષકગણ, આંગણવાડીની બહેનો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી વિકાસ રથને ઉત્સાહભેર આવકારી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.