જિલ્લામાં તા. ૧૧ થી ૧૭ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા કાર્યક્રમ’ યોજાશે-કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે
કલેક્ટરશ્રીએ પુરવઠા, જમીન સંપાદન અને મધ્યાહન ભોજનની મેરેથોન બેઠકો યોજી
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તળાજાના ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયાએ રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતાં પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.
અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં વીજળીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, નીચે ઝૂકેલાં વાયરોથી કોઇને વીજ શોક ન લાગે તે માટેની તકેદારીના પગલાં લેવાં અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આ ઉપરાંત તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે તા. ૧૧ થી ૧૭ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા કાર્યક્રમ’ યોજાવાનો છે. તેમાં ભાવનગર જિલ્લો મોટાપાયા પર ભાગ લે તે માટે આઝાદીના અવસરે લોકો જાગૃત બને અને તિરંગા પ્રત્યે સન્માનની નજરે જોતાં થાય અને લોકોમાં દેશભક્તિ જાગૃત રહે તે માટેના પગલાં લેવાં માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અવસરે અમૃત સરોવરનું કામ પણ ઝડપથી પૂરું થાય તે માટેની તાકીદ કરીને આ અમૃત સરોવરના સ્થળો ખાતે વૃક્ષારોપણ થાય અને જે તે દાતાની તકતી લાગે જેથી તેઓનું કાર્ય અન્યને પણ પ્રેરણા આપે તે માટે કાર્યરત થવાં અધિકારીઓને સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ આ બેઠકમાં વિવિધ વિભાગોને સ્પર્શતાં પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી પુરવઠા, જમીન સંપાદન અને મધ્યાહન ભોજનની મેરેથોન બેઠકો યોજી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.
આ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ઝડપથી પતાવી સત્વરે કામ શરૂ થઇ જાય અને તે કામ ઝડપથી પૂરા થાય તે અંગેની તકેદારી રાખવાં પણ અધિકારીઓને માર્ગદર્શન આપી અધિકારીઓ- કર્મચારીઓ હકારાત્મકતાથી કાર્ય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોને જિલ્લામાં બનનાર અમૃત સરોવરો માટે લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવાં સહકાર આપવાં માટેની પણ અપીલ કરી હતી.
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી અજય દહીંયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નાયબ વન સંરક્ષકશ્રી સાદિક મુંજાવર, જિલ્લા પોલીસ વડાશ્રી શ્રી ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.