નારી સશક્તિકરણ, નારી અદાલત અને મહિલા વિષયક યોજનાઓની માહિતી આપવામાં આવી
ભાવનગરના મહુવામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમ ખેડૂત તાલીમ કેન્દ્ર, માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો.
આ તકે મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવનાબેન મકવાણા એ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે. મહિલાઓ જે તે ક્ષેત્રમાં આગળ વધે તે માટે પૂરતી તક અને ઉડવા માટેનું આકાશ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જેને લઈને નારી શક્તિનું આજે ખરા અર્થમાં સશક્તિકરણ થયું છે.
તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇને રાજયના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી કે.વી. કાતરીયાએ ભાવનગર જિલ્લામાં મહિલા વિકાસ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ માટે કાર્યરત છે ત્યારે તેનો મહિલાઓએ વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી. આ ઉપરાંત મહિલાઓને લગતી ગંગા સ્વરૂપ, વ્હાલી દીકરી, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે જાણકારી આપી હતી.
આ તકે જિલ્લા પંચાયતના ડી.એલ.એમ શ્રી વિજયસિંહ એ સખી મંડળ અંગેની માહિતી પુરી પાડી મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગૌરવ આપવાનાની વાત કરી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની મહુવાની સખી મંડળની બહેનોના આગવા પ્રદાન અંગે માહિતગાર કર્યા હતાં.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈ.સી.ડી.એસ.શાખાના પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેને કાર્યક્રમની આછેરી માહિતી આપી હતી અને આ કાર્યક્રમથી બહેનોને કાયદા, મહિલાઓની યોજના, સખી મંડળ વગેરે અંગે જાગૃતિ આવશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા બાલ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રી રાજલબેન સોરઠીયા, મહુવા તાલુકા પ્રમુખ શ્રી અંજુબેન મકવાણા, મહુવા નગરપાલિકા પ્રમુખ શ્રી ગીતાબેન મકવાણા, નારી અદાલતના શ્રી ઋત્વીબેન સોલંકી, મહુવા પ્રાંત અધિકારીશ્રી, મહુવા મામલતદાર શ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.