પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ.એન.કે.મીનાએ આજે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભારવાડા અંડર બ્રીજ, ઘોઘા સર્કલ અને રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ સુધીના રોડની મુલાકાત લઇ પુલોનું સમારકામ અને માર્ગોની સ્થળ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
કમિશનરશ્રીએ કુંભારવાડા અંડર બ્રીજની મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, કુંભારવાડા અંડર બ્રીજમાં જરૂર જણાય સમારકામ કરાવવા અથવા નવા પુલની આવશ્યકતા જણાય તો તાત્કાલિક ધોરણે તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સાથે ટીમે પુલનું તકનીકી રીતે વિશ્લેષણ કર્યું હતું. આ ઉપરાંત ઘોઘા સર્કલ, રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ પર માર્ગ મરામતની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા, માર્ગ મરામતના જ્યાં કામો થઇ રહ્યા છે, ત્યાં રોડ સેફ્ટીના જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવા સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી હતી.
કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદને લીધે જે ખાડાઓ પડ્યાં છે. તે તાત્કાલિક ધોરણે પુરાય, નાગરિકોને મુશ્કેલી ન પડે તેની તકેદારીના ભાગરૂપે માર્ગ મરામતના કામો ચાલું કર્યાં છે. ભાવનગર મહાનગર પાલિકા હસ્તકના ૨૦ જેટલાં માઇનોર પુલો આવેલા છે, તે તમામનું ઇન્સ્પેકશન અને ચકાસણીનું કામ અધિકારીશ્રીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આજની સ્થળ મુલાકાત દરમિયાન માર્ગ મરામતની કામગીરી ઝડપથી અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સુચના આપી હોવાનું જણાવ્યું હતું.
કમિશનરશ્રીની મુલાકાત વેળાએ એડીશનલ સીટી એન્જિનિયર શ્રી એમ.સી.પટેલ, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી રવિવાજસિંહ લીંબોલા તથા રેલવે વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.