ભાવનગરની આ રથયાત્રા છેલ્લા ૩૬ વર્ષથી પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે યોજાય છે. અને રથયાત્રાને લઈને ભાવનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી આ રથયાત્રા શહેરમાં ૧૭ કિલોમીટરના રૂટ પર ફેરવવામાં આવે છે. રથયાત્રામાં નાની રીક્ષાઓ થી લઈને ટ્રક અને વિશાળકાય રથ જોડાય છે. ત્યારે રથયાત્રાની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા પણ દર વર્ષે સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે. જેમાં PWD, BMC, PGVCL સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે ભાવનગર જિલ્લા કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી શહેરના રોડ-રસ્તા રીપેરીંગ કરવા સહિતની કામગીરી અંગે રથયાત્રા સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ મહાનગર પાલિકા તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેમ રથયાત્રાના રૂટમાં આવતા સિંધુનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાને લઇ કરવામાં આવેલા ખાડાઓ જેમના તેમ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જે અંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો. અને ફરીથી મહાનગરપાલિકા તંત્ર પાસે ઝડપથી રોડની કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી.
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર