Latest

ભાવનગરમાં નીકળનારી 37 મી રથયાત્રા અંતર્ગત શહેરના કાળુભા રોડ પર આવેલા રેસ્ટોરન્ટ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા દ્વારા આગામી રથયાત્રા અંગે માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં સમિતિના અધ્યક્ષ સાહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી કરવામાં આવે છે. આ ૩૭ વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે. આ વર્ષે ૩૭મી રથયાત્રા તા.૦૧-૦૭-૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી રશ્મીકાંતભાઈ દવે અને કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરી પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ  જયવીરસિંહજીના વરદ્‌ હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોરા” વિધિ તથા “પહિન્દ” વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્‍થાન કરાવવામાં આવશે.

તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઈ ગોડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.

ભગવાનના વાઘા પરંપરાગત રીતે વર્ષોથી બનાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે ભગવાનના સુંદર કલાત્મક વાઘા બનાવવામાં આવેલ છે અને દર વર્ષે ભગવાનના વાઘા બનાવવાની સેવા આપતા હરજીવનભાઈ દાણીધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે. તેમજ વાધાનું અને સાફાનું કાપડ રથયાત્રા સમિતિના મંત્રીશ્રી કરશનભાઈ વસાણી પરિવાર તરફથી સેવામાં મળેલ છે. આ ઉપરાંત ભગવાનના કલાત્મક સાફા બનાવવાની સેવા  પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ, કાળિયાબીડવાળા દ્વારા મળેલ છે. ભાવનગરમાં આ વર્ષે કોરોનાની બે વર્ષની મહામારી બાદની પરંપરાગત નીકળતી ભવ્ય રથયાત્રા નીકળવાની હોવાથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાના હોવાથી લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

લોકો ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રઘ્ધાભેર રાહ જોઇ રહ્યા છે અને પોતાના વિસ્તારોને ધજા, પતાકા, રોશની કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો દ્વારા શણગારી રહ્યા છે તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્યવસ્થા દાતાઓ અને ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ વર્ષે રથયાત્રામાં મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર કિર્તીબેન દાણીધારીયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રથયાત્રામાં જુદા-જુદા આકર્ષણો જોડાનાર છે જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક-ઢોલ, તોપ, વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે, જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની રહેશે. રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, પ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ધોડા, ૪ અખાડા, જુદી-જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડીબિલ્ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાયેલ છે. તથા સામાજિક, ધાર્મિક, સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર વિગેરે સંસ્થાઓના ફલોટો તથા અન્ય ફ્લોટ આકર્ષણ બની રહેશે તેમજ રાજહંસ નેચરલ કલબ ટ્રસ્‍ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.  રાષ્ટ્રની રક્ષા કાજે જેમણે સેવા આપી છે તેવા માજી સૈનિક સંગઠન દ્વારા પ્રસ્‍થાન સમયે – સુભાષનગર માજી સૈનિકો ભગવાનશ્રી જગન્નાથજીને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જે ખુબ જ આકર્ષક બની રહેશે. તેમજ હેવમોર ચોકમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત અને પૂજા કરશે.

દર વર્ષ મુજબ આ વર્ષે ભગવાનશ્રી કૃષ્ણનું વિશાળકદનું કટઆઉટ ઘોઘાગેઇટ ખાતે લગાડવામાં આવેલ છે. તથા ઘોઘાગેઇટ બીઝનેસ સેન્ટર ખાતે શ્રી હનુમાનજી મહારાજનું ભવ્ય હોડીંગ્સ તથા જશોનાથ ચોક, ટી.સી.ટાવર, કાળાનાળા, શિવરામ રાજ્યગુરૂ ચોક, ખારગેઇટ, આર.ટી.ઓ. ઓફિસ સામે, નિલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડીગેઇટ વિગેરે સ્થળોએ જુદા-જુદા ધાર્મિક અને રાષ્ટ્રીય મહાપૂરૂષોના વિશાળ કદના હોર્ડીગ્ઝ લગાડવામાં આવેલ છે. તેના ઉપર કરવામાં આવેલ લાઇટીંગથી આ હોર્ડીગ્ઝ ખૂબ જ આકર્ષક લાગે છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

રથયાત્રા તા.૦૧-૦૭-૨૦૨૨ ને શુક્રવારના રોજ શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિર સુભાષનગરથી સવારે ૮.૦૦ કલાકે પ્રસ્‍થાન થઈ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરૂકુળ, સરદારનગર સર્કલ, પ્ર.પ્રિ.બ્ર.કુ. વિશ્વ વિધાલય, લંબે હનુમાનજી, ધોધા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર૨, ભરતનગર, સંતશ્રી સેન મહારાજ ચોક, માલધારી સોસાયટી, શેક્ષકનગર સોસાયટી, દેવુમાનું મંદિર, સિંધુનગર કેમ્પ, શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, સંસ્કાર મંડળ, શ્રી રામજી મંદિર, રોકડીયા હનુમાન, સેન્ટ્રલ સોલ્ટ, તખ્તેશ્વર મંદિર, રાધા મંદિર, સંત કંવરરામ ચોક, વાળંદ જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, માળી જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, દાદા સાહેબ, બારસો શિવ મહાદેવની વાડી, સર.ટી. હોસ્પિટલ રોડ, જેઇલ રોડ, શ્રમનિકેતન સોસાયટી, મરીન સોસાયટી, અનંતવાડી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, ભીડભંજન હનુમાનજીનું મંદિર, જૂની મીલની ચાલી, ફાયર બ્રિગેડ, નિર્મળનગરના નાકે, માધવ રત્ન, ક્રિસ્ટલ માર્કેટ, શિતળામાનું મંદિર, પાવર હાઉસ પાસે, શ્રી મોરલીધર હનુમાનજી મંદિર, મોરલીધરનું મંદિર ચાવડીગેટ પાસે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, ચાવડીગેટ, શ્રી ખોડિયાર મંદિર ચાવડીગેટ, હનુમાનજીનું મંદિર, વિજય ટોકીઝ પાસે, પટેલ જ્ઞાતિ રામજી મંદિર, રક્ષક હનુમાનજી મંદિર, શ્રી ચામુંડા મંદિર – પાનવાડી, કોળી જ્ઞાતિ રામજી મંદિર, દૂધરેજનું રામજી મંદિર, પાનવાડી ચોક, જશોનાથચોક, જશોનાથ મંદિર, મુરલીધર મહાદેવનું મંદિર, જશોનાથ ચોક, વિઠ્ઠલનાથજી હવેલી, વોશીંગઘાટ, ગંગાદેરી, ઘોઘાગેઇટ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, શ્રી નાથનાથ મહાદેવ મંદિર, મહેતા શેરી, શ્રી જગદીશ મંદિર ખાગેઇટ, જલારામ મંદિર ખારગેઇટ, દાઉજીની હવુલી, આર્ય સમાજ મામાકોઠા, કામનાથ મહાદેવ, મારૂતી મંદિર બાર્ટન લાયબ્રેરી, બહુચરાજીનું મંદિર, રામજી મંદિર, રૂવાપરી ગેટ, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરૂ ચોક, સરદારસ્મૃતિ, ગાયત્રી શક્તિપીઠ ડોન, શ્રી બહુચરાજી મંદિર ડાયમંડચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શ્રી ભગવાનેશ્વર મહાદેવ અને શ્રી જગન્નાથજી મંદિરનાં પટ્ટાગણમાં ધર્મસભાના રૂપમાં ફેરવાશે.

આ ધર્મસભાને પૂ.સંતો, મહંતો, પ.પૂ.શ્રી ગરીબરામબાપુ, પ.પૂ. શ્રી રામચંદ્રદાસજી , પ.પૂ. શ્રી ઓલીયાબાપુ તથા રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોંડલિયા, શ્રી મનસુખભાઈ પંજવાણી વિગેરે સંબોધન કરશે. આ રથયાત્રામાં જોડાનાર ફલોટો વચ્ચે થીમ આધારિત ફલોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક થી પાંચ સુધીના ક્રમે આવનાર ફલોટોને ઈનામો આપવામાં આવશે. અને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે.

આ ઉપરાંત વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ એક થી ત્રણ ક્રમે આવનારને ઇનામો આપવામાં આવશે. નિર્ણાયકો દ્વારા તૈયાર થયેલ સીલબંધ કવરમાં પરિણામ હલુરીયા ચોકમાં રથયાત્રાના અઘ્યક્ષને સૌપશે. નિર્ણાયક તરીકે કાળુભાઈ દવે, નયનાબેન દવે, એસ.ડી. રાવળ, અરવિંદભાઈ દવે, વિપુલભાઈ હીરાણી, પ્રિતિબેન જોશી, શૈલેન્દ્રસિંહ ગોહિલ, અજયભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ ભુવા, સાવનભાઈ ભટ્ટ સેવા આપશે. આ વર્ષે રથયાત્રા સિમિતે રથયાત્રા અગાઉ જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોજાતા ડાયરો (સંતવાણી) કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

તેમજ તા.૩૦-૦૬-૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાત્રે ગુજરાત રાજ્ય સંગીત નાટય એકેડેમી અને રામ ગૃપ વડવા ચોરા આયોજિત ભવ્ય સંતવાણી અને ડાયરાનું જશોનાથ ચોક ખાતે આયોજન કરવામાં આવેલ છે તથા રથયાત્રાના દિવસે રામ ગૃપ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હિન્દુ યુવા સંગઠન દ્વારા તા.૨૭-૦૬-૨૦૨૨ ના રોજ ગીતા ચોક ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે અને તા.૩૦-૦૬-૨૦૨૨ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન ઘોઘા ગેઈટ પોલીસ સ્ટેશન પાછળ કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં જે રક્ત એકત્રીત થશે તેનાથી રથયાત્રા સમિતિના મંત્રી કરશનભાઈ વસાણીની રક્તતુલા કરવામાં આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસતંત્ર , મહાનગરપાલિકા તરફથી સારી એવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

તે ઉપરાંત રથયાત્રા સમિતિનાં સ્વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્યવસ્થા સંભાળશે.

આ પત્રકાર પરિષદમાં શિવ વિહાર ટ્રસ્ટના હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા અંગેનું માર્ગદર્શન પણ આપેલ હતું. આ રથયાત્રાના પ્રણેતા અને હિન્દુ સમાજના જીવનપર્યત કાર્યો કરનાર અડીખમ યોદ્ધા એવા સ્વ. ભીખુભાઈ ભટ્ટની હિન્દુ સમાજને મોટી ખોટ પડેલ છે. જે કદી પૂરી શકાય તેમ નથી. પરંતુ તેમણે શરૂ કરેલ આ રથયાત્રા પરંપરાગત રીતે નીકળતી રહે અને તેમના હિન્દુ સમાજ માટેના અધુરા કાર્યો અમો તથા આપણે સૌ સાથે મળી પૂર્ણ કરતા રહીએ અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઇએ તે જ તેમના પ્રત્યેની હિન્દુ સમાજની સાચી શ્રદ્ધાંજલી ગણાશે. તેઓની સ્મૃતિરૂપે અને અમોને સતત પ્રેરણા મળતી રહે તે માટે આ જગન્નાથજીના રથયાત્રાના રથ પ૨ તેઓના બે ફોટોગ્રાફસ લગાવવામાં આવેલ છે.

આ રથયાત્રાના માર્ગદર્શક સ્વ. ભગવતસિંહજી રાણાનો ફોટોગ્રાફસ લગાવવામાં આવે છે.  ભાવનગર માંથી નીકળનારી આગામી રથયાત્રા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા, કરશનભાઈ વસાણી, મનસુખભાઈ પંજવાની, અનિરુદ્ધસિંહ સાહિતના આગેવાનો અને પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *