અંત્યોદયનો અભ્યુદયના મંત્ર સાથે સરકારે અનેક વિકાસના નવા આયામોનો આરંભ કરાવ્યો છે-મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા
રાજ્યભરમાં આજથી સરકારની વિકાસ યાત્રાની ૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિકાસના મંત્ર સાથે ભાવનગર શહેરમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયાએ મહાદેવનગર વોર્ડથી કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
વિકાસના નિત્યનૂતન શિખરોને સર કરી રહેલાં ગુજરાતની વિકાસ યાત્રાને ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે કરેલા વિકાસના કાર્યોની ઝાંખી લોકો સુધી પહોંચાડવામાં પ્રયાસ સ્વરૂપે ભાવનગર શહેરના વિવિધ વોર્ડમાં આ રથ ભ્રમણ કરવાનો છે. આજે પ્રસ્થાન કરાવેલાં રથની સાથે વિવિધ વોર્ડમાં મેયરશ્રીએ ઉપસ્થિત રહીને રથનું મહત્વ લોકોને સમજાવ્યું હતું.
રાજ્ય સરકારે જે સુશાશન આપ્યું છે તેથી આજે લોકોને આરોગ્ય, ભૌતિક સુવિધાઓ, વિવિધ યોજનાઓના એટલા આયામોની શરૂઆત રાજ્ય સરકારે કરી છે કે રાજ્યનો છેવાડાનો નાગરિક પણ આ સુખાકારીથી બાકાત ન રહી જાય.
તેમણે કહ્યું કે, આ સરકાર સાથે લોકોના સાથ અને સહકારને કારણે શક્ય બન્યું છે. આ રથએ માત્ર સરકારે કરેલાં કાર્યોની ઝાંખી માત્ર છે. હજુ પણ લોકકલ્યાણના અનેક કાર્યો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે તેમ જણાવી ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના, કુંવરબાઇનું મામેરું વગેરે જેવી યોજનાઓ અને તેનાથી લોકોને કેવો ફાયદો થયો છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
તેમણે ચિત્રા ફુલસર વોર્ડ આજે ઉજ્જવલા યોજનાને કારણે કેરોસીન મુક્ત થયો છે તેનો હરખ પણ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરશ્રી યોગેશ નિરગુડેએ આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇને કોઇ યોજનાનો લાભ નાગરિકોને મળ્યાં વગર રહ્યો ન હોય તેવો ચહું દિશાનો વિકાસ રાજ્ય સરકારે કર્યો છે.
તેમણે કહ્યું કે, રોડ, રસ્તા, ગટર જેવી માળખાકીય વિકાસ સાથે સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા જેવાં કાર્યક્રમો દ્વારા લોકોને તેમના ઘરઆંગણે જઇને તેમને મળવાપાત્ર લાભોનું હાથોહાથ વિતરણ કરીને સકળ ઘરેલું સુખાકારીમાં વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં એક અને ગ્રામ્યમાં ૩ રથ મળી કુલ-૪ રથ જિલ્લામાં ફરવાના છે અને તે દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવનાર છે. આ રથમાં એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા ઓડિયો- વિઝ્યુઅલના માધ્યમથી આ તમામ માહિતી લોકોને આપવામાં આવનાર છે.
આ અવસરે ૨૦ વર્ષના વિકાસની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ અવસરે કીટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ચિત્રા- ફુલસર વોર્ડમાં રૂા.૨૧.૮૪ લાખ અને કુંભારવાડા વિસ્તારના રૂા.૧૬.૫૨ લાખના ખર્ચે બનનાર રસ્તાઓના પેવરરોડના કામનું ડિજિટલી ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત યાત્રાના શુભારંભ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી વી.એમ. રાજપૂત, ચિત્રા-ફુલસર વોર્ડના નગરસેવક સર્વશ્રી ઉપેન્દ્રસિંહજી અને હીરાબેન તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.