પૂજા બી. નકુમ (વિષય નિષ્ણાંત-કૃષિ વિસ્તરણ)
રણજીતસિંહ જી. બારડ (વિષય નિષ્ણાંત-બાગાયત)
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એસીએફ, અંબુજાનગર
તા: કોડીનાર જી- ગીર- સોમનાથ
નાળીયેરી એ દરીયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારનો અગત્યનો બાગાયતી પાક છે. ગુજરાત રાજ્યમાં હાલમાં આવેલ બીપોરજોય વાવાઝોડાના કારણે બાગાયતી પાકોમાં ખુબ જ મોટા પ્રમાણમં નુકશાન થયુ છે. જેમાં ખાસ કરીને નાળીયેરી, આંબા, કેળ, ચિકુ, પપૈયા વગેરે જેવા પાકોમાં વધારે નુકશાન જોવા મળે છે. દરીયાકાંઠાનો મુખ્ય પાક નાળીયેરીમાં મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યુ છે. એવા સંજોગોમાં નાળીયેરીના બગીચામાં કઇ- કઇ કાળજીઓ રાખવી અથવા ઝાડને બચાવવા માટે શું કરવુ જોઇએ તેના વિશે આ લેખમાં આપણે વિસ્તારથી જોઇશુ.
• વાવાજોડુ આવતા પહેલા આગમચેતીના પગલા તરીકે પહેલા નાળીયેરીના ઝાડ પરથી તૈયાર લીલા ત્રોપા અથવા પરીપક્વ નાળીયેર ઉતારી લેવા જેથી ઝાડ પરનુ વજન ઓછુ કરી શકાય અને નાળીયેરીને વધારે પવનથી નીચે પડવાથી બચાવી શકાય છે.
• વાવાઝોડા પછી નાળીયેરી સંપુર્ણ થડ સાથે તુટીને ઉખડી ગયેલ હોઇ એવા થડ તેમજ અન્ય કચરો બગીચામાંથી ખેતરની બહાર કાઢી નાખવો જેથી બગીચામાં રોગ-જીવાતોનો ઉપદ્રવ ઓછો કરી શકાય. ખાસ કરીને એવા સંજોગોમાં ગેંડા કિટક અને રેડ પામ વિવિલ જેવી જીવાતોનો ઉપદ્રવ વાધારે જોવા મળે છે.
• ૫ થી ૭ વર્ષની નાળીયેરી જો ઢળી પડી હોઇ અથવા જેનું થડ ત્રાંસુ થયુ હોઇ અને ઝાડના મૂળ જમીનમાં ચોંટેલા હોઇ એવા ઝાડને બચાવવા માટે પ્રથમ જે બાજુ ઝાડ ઢળી પડ્યું હોઇ તેની વિરુધ્ધ દીશામાં લાકડાની અથવા લોખંડની ખુટી મારી એમાં મજબૂત દોરડું અથવા વાયારથી બાંધવી. ત્યારબાદ ઢળી પડેલ ઝાડની વચ્ચે અથવા નીચે એક લાકડાનો મજબૂત ટેકો મારવો તેમજ ઝાડના ખુલ્લા થયેલ મૂળ વ્યવસ્થીત માટીથી ઢાંકી પિયત આપવું.
• ૧૫ થી ૨૦ વર્ષ પછીની નાળીયેરી જેમાં લીલા પાન હોઇ અને જો મૂળ સાથે જમીનમાંથી ઉખડી ગયેલ હોઇ એવી નાળીયેરીને જેસીબીથી અથવા ટ્રેક્ટરની મદદથી ઉભી કરીને મૂળ જગ્યા (જ્યાં વાવેતર કરવાની હોઇ તે જગ્યામાં) ઉંડૉ ખાડૉ ખોદીને વ્યવસ્થીત ઉભી કરી ઝાડને મૂળ સાથે ફરતે માટીથી ઢાંકીને જરૂરીયાત મુજબ પીયત આપતુ રહેવુ જેથી એ નાળીયેરી ૫ થી ૭ મહીનામાં વ્યવસ્થીત થઇ શકે.
• નાળીયેરી ઉભી કરતા પહેલા ઝાડ પર જેટલા લીલા પાન ઉપલબ્ધ હોય એમાથી અડધા પાનની સંખ્યા ઓછી કરવી જેથી ઝાડ્નું પોતાનુ વજન ઓછુ થશે. ઝાડ્ને મુખ્ય જગ્યા ઉપર વાવેતર કરતા પહેલાં ખાડામા સેંદ્રીય ખાતર સાથે જૈવીક ખાતરનો ઉપયોગ કરવો જોઇએ તેમજ ઝાડ્ને ઉભુ કરતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. જો વરસાદ ન પડે તો જમીનમાં ભેજ રહે તેટલુ પિયત આપવુ. વધુમાં ઝાડ ઉભુ થયા પછી મુખ્ય ઘાભામાં (અગ્રકલીકા) કોપર ઓક્સીક્લોરાઇડ (ફૂગનાશક દવા) ૩ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મેળવી એક ઝાડ દીઠ ઉમર પ્રમાણે રેડવું જેથી ઘાભમરો જેવા રોગથી નાળીયેરીને બચાવી શકાય છે.
• વાવાઝોડા પછી નાળીયેરીના બગીચામાં જો ૮૦ થી ૯૦ ટકા જેટલુ નુકશાન થયેલ હોઇ (ઝાડ તુટી ગયેલ હોઇ) તો એવા સંજોગોમાં નાળીયેરીનો નવો બગીચો બનાવવાની શરૂઆત કરવી. વધુમાં રોપા ખરીદી સમયે ખાસ કરીને સરકાર માન્ય અથવા કૃષિ યુનિવર્સીટીની નર્સરીમાંથી જ રોપા ખરીદી કરવાનો આગ્રહ રાખવો.
વાવાઝોડાથી બચવા માટે નાળીયેરીના નવો બગીચો બનાવતી વખતે લેવાની કાળજીઓ:
• નાળીયેરી વાવેતરનુ અંતર કૃષિ યુનીવર્સીટીએ કરેલ ભલામણ મુજબ જેમ કે ઉંચી અને સંકર જાતો માટે ૭.૫ મી.X ૭.૫ મી. અને ઠિંગણી જાતો માટે ૬ મીX ૬ મી અંતર રાખવુ હિતાવહ છે.
• નાળીયેરીના બગીચા ફરતે પવન અવરોધક જંગલી ઉંચા કદના વૃક્ષો જેમાં શરું, નીલગીરી, સુબાવળ, સીસમ, આસોપાલવ જેવા વૃક્ષોનુ વાવેતર કરવુ જેથી વધારે ગતિમાં આવતા પવનથી નાળયેરીને બચાવી શકાય છે.
• જો ખેડુતો પાસે પુરતા પ્રમાણમાં પિયતનુ પાણી ઉપલબ્ધ હોય તો નાળીયેરી સાથે- સાથે તે વિસ્તારને ધ્યાનમાં લઇ આંતરપાક તરીકે વિવિધ પાકો જેવા કે ઘાસચારો, ફળપાકો, મસાલા પાકો, કંદમૂળ, તેમજ ફૂલછોડ જેવા પાકોનુ વાવેતર કરી વાડીમાં ખાલી જગ્યાનો મહત્તમ ઉપયોગ સારી રીતે કરી શકાય છે.
ખરી પડેલ નાળીયેરીના લીલા ત્રોપા તેમજ સુકા પાનમાંથી મૂલ્યવર્ધન:
• લીલા નાળીયેરમાંથી ઘણી બધી મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકાય છે. લીલા નાળીયેરનું પાણી સંગ્રહ કરી શકાય. ઉપરાંત નાળીયેરીમાં મલાઇ બની ગઇ હોય તો તેમાંથી કોકોનટ મિલ્ક, વર્જીન કોકોનટ ઓઇલ, પાઉડર, ગોળ, ચટણી, ચિપ્સ, મિલ્ક પાઉડર વગેરે ઘણી બધી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય છે.
• નાળીયેરીના સુકાં પાન ખેડુતો ફેંકી દેતા હોઇ અથવા તો બાળી નાખતા હોય છે. એવુ ન કરતા એ જ પાનમાંથી વર્મિકમ્પોસ્ટ (અળસીયાનુ ખાતર) તેમજ વર્મિવોશ (પ્રવાહી) બનાવી શકાય છે. જે માટે સુકાં પાનાના કટકા કરી (ચાફ કટનો ઉપયોગ પણ કરી શકાય) એનો કચરો, છાણ અને અળસીયાનો ઉપયોગ કરી ઓછા ખર્ચે ખેડુત પોતાના ખેતરમાં જ ખાતર બનાવી શકે છે જેથી રાસાયણીક ખાતર પાછળ થનાર વધારાનો ખર્ચ ઘટાડી શકાયા છે.