“આ રક્તદાન શિબિર ગુજરાતની સેવાભાવનાનું જીવંત પ્રતીક છે.” – માન. મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા- ટાઇટલ-૨
ગાંધીનગર, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫
ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. “ઓપરેશન સિંદૂર” અને “નમો કે નામ રક્તદાન” અભિયાન અંતર્ગત જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અપ્રતિમ ઉત્સાહ જોવા મળ્યો. આ શિબિરમાં માન. મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. આ જીવનરક્ષક કાર્યમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન આપી તેમના પ્રયાસોની સરાહના કરી હતી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારી મંડળો અને મદદગાર પરિવારના સંયુક્ત આયોજનથી ગુજરાતે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ જોઇએ તો- (૧) એક લાખથી વધુ રક્તદાતાઓ દ્વારા રાજ્યભરમાં એક જ દિવસમાં રક્તદાન કરીને માનવતાની સેવામાં અમૂલ્ય યોગદાન આપ્યું.(૨) ૩૦૦થી વધુ રક્તદાન શિબિરો જેમાં ગુજરાતના ખૂણે-ખૂણે આયોજિત આ શિબિરોના શિબિરાર્થીઓએ સામૂહિક સહભાગિતા એટલે કે સંઘ શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સેવા કાર્યમાં શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓની અદ્વિતીય ભાગીદારી હતી. રાજ્યના શિક્ષકો, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓએ આ અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ સેવા અભિયાન ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યો—સેવા, સમર્પણ અને સંકલ્પને જીવંત કરે છે. આ ઉપક્રમે ગુજરાતની સહકારભાવના અને માનવતાના મંત્રને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યો છે. રાજ્યના શૈક્ષણિક સંસ્થાનો, વહીવટી કચેરીઓ અને સામાજિક સંગઠનોએ એકજૂથ થઈને આ અભિયાનને યાદગાર બનાવ્યું છે.
“નમોત્સવ”ના કાર્યક્રમમાં રક્તદાન આરોગ્ય તપાસ, સ્વચ્છતા અભિયાન અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સામેલ છે. સોશિયલ મીડિયા પર આ અભિયાનનો જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં યુવાઓ-નાગરીકો પોતાના ફોટા અને વીડિયો શેર કરીને વધુ લોકોને રક્તદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. માન. મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું: “આ રક્તદાન શિબિર ગુજરાતની સેવાભાવનાનું જીવંત પ્રતીક છે. દરેક રક્તદાતાએ પોતાના નાનકડા પ્રયાસથી અનેક લોકોને સદકાર્ય માટે પ્રેરી પોતાના જીવનને નવી દિશા આપી છે.”