Latest

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી અને મુખ્યમંત્રીએ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો

ઘોલ માછલીને રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ – વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે.

આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.

આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે.

આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે ‘વે ફોરવર્ડ’ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વધુમાં વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે ગુજરાતે ઘોલ માછલીને પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે. દેશભરમાં વિવિધ રાજ્યોએ નજીકના સમયમાં પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે, જે સાબિત કરે છે કે આ સેક્ટરમાં દેશભરમાં રુચિ વધી છે.

પાછલાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. માછીમારોને બોટ માટે પેટ્રોલ-ડીઝલ સબસીડી સહિત ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત ટ્રાન્સપોન્ડર્સ વગેરે પૂરા પાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસરત છે.

ઈસરો દ્વારા નિર્મિત ટ્રાન્સપોન્ડર્સ સાગરખેડુઓને સમુદ્રમાં લોકેશન શોધવામાં તથા ફિશકેચ એરિયાઓને (વધુ માછલી ધરાવતા વિસ્તારો) ઓળખવામાં મહત્વના સાબિત થશે, જે તેમનો મહત્વપૂર્ણ સમય બચાવશે. આ ઉપરાંત, તેઓ આ ટ્રાન્સપોન્ડર્સની મદદથી પોતાના પરિવારજનો, કોસ્ટ ગાર્ડ અને વિવિધ ઓથોરિટીઝના પણ સંપર્કમાં રહી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે.

દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગ વિભાગના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાગરખેડૂઓના સર્વાંગી વિકાસ માટે ‘સાગરખેડૂ વિકાસ યોજના’ શરૂ કરાવેલી, જે ખૂબ સફળ રહી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ -અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રાજ્યના માછીમારોને ઉપયોગી થશે અને પારદર્શકતા વધશે.

વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે  ઘોલ માછલીને ગુજરાત રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી છે, દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા.

જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ‘સાગરમાલા’ પરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.

મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં ઇનલેન્ડ ફિશ પ્રોડક્શન અને એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ₹75000 કરોડનું અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે.

જેના લીધે દેશમાં ફિશ પ્રોડક્શન બમણું થયું છે. સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેશમાં 25000થી વધુ કો- ઓપરેટિવ સોસાયટીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. જેના દ્વારા માછીમારો અને મત્સ્ય ઉદ્યોગોને ફિશ પ્રોસેસિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ ડ્રાયિંગ સહિતના કાર્યો માટે રોકાણ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનના 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવામાં ફિશરીઝ સેકટર અને બ્લૂ ઈકોનોમીનું મહત્વનું યોગદાન રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત સાયન્સ સિટી ખાતે બનાવવામાં આવેલી એકવાટિક ગેલેરીની મુલાકાત લેવા માટે સૌ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કિમીના વિશાળ સાગર કંઠા પર આવેલા ચૌદ જિલ્લાનાં  798 જેટલાં ગામડાંઓમાં મત્સ્યપાલન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર મત્સ્યોદ્યોગને સતત પ્રોત્સાહન આપી રહી છે.

માછીમારોને બોટ માટેના ડીઝલમાં વેટ રાહત સહાય અંતર્ગત પાછલાં વર્ષોમાં રૂ.250 કરોડની રાહત આપવામાં આવી છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રૂ.443 કરોડની સહાય અપાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મત્સ્યપાલકની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓ વિશે વાત કરતાં મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં માછીમારોને આજ સુધી 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાયું છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હજુ વધુ લોકોને આવરી લેવાશે.

આ ઉપરાંત માછીમાર સમૂહ દુર્ઘટના વીમા યોજના અંતર્ગત રાજ્યના 1,30,000 માછીમારો અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વીમા સંરક્ષણ પૂરું પડાયું છે.

પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે, આ યોજના અંતર્ગત રાજ્યમાં જળાશયોમાં કેજ કલ્ચર, બાયો ફ્લોકસ, આઇસ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, મત્સ્ય બીજ સંગ્રહ, ફિડમિલ પ્લાન્ટ યોજના જેવા અનેક લાભો માછીમારોને અપાઈ રહ્યા છે.

રાજ્યના કોઈ માછીમારો ભૂલથી સમુદ્રસીમા ક્રોસ કરી જાય છે તો તેમના પ્રતિ પણ સરકારની સંવેદનશીલતા છે. પાકિસ્તાનમાં પકડાઈ ગયેલા માછીમારોના પરિવારોને સરકાર વતી પ્રતિદિન રૂ.300ની આર્થિક સહાય અપાય છે. છેલ્લા 5 વર્ષમાં 1747 માછીમારોના પરિવારોને રૂ.17 કરોડ 95 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ માછીમારોની સુરક્ષા માટે જીવન રક્ષક સાધન સહાય પણ આપવામાં આવે છે.

મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોના ફલસ્વરૂપે પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલા ભારતીય માછીમારોમાંથી 482 માછીમારો વર્ષ 2023-24 માં પોતાના વતન પાછા ફર્યા છે.

વધુમાં હું ભારત સરકારને પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલ 185 ભારતીય માછીમારો અને બોટને તુરંત છોડાવા માટે અનુરોધ કરું છું. વધુમાં ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનો વધુ વિકાસ કરવા માટે એક એકવા પાર્કનું નિર્માણ કરવા માટે પણ અનુરોધ કરું છું, એવું તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 માં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. કોન્ફરન્સમાં રાઉન્ડ ટેબલ મીટ, ટેકનિકલ સેશન્સ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ, G2G/G2B અને B2B બાયલેટરલ્સ, એક્ઝીબિશન સ્ટોલ્સ  અને ફૂડ મેળા સહિતના આકર્ષણો માછીમારો, મત્સ્ય ઉદ્યોગકારો, વિદેશી મત્સ્ય વ્યવસાયકારો અને સંસ્થાઓ, સ્ટાર્ટ અપ સહિત વિવિધ સહભાગીઓને વિવિધ વિષયો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો અંગે સચોટ  માર્ગદર્શન પૂરું પાડશે તથા વિવિધ વિષયો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘સ્ટેટ ફિશિઝ ઓફ ઈન્ડિયા’ બુક્લેટ અને ‘હેન્ડબુક ઓફ ફિશરીઝ સ્ટેટેસ્ટીક્સ યર 2022’ પ્રકાશનોનું પણ આ તકે વિમોચન કરવામાં આવ્યું. સાથે જ, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમના ક્લેઈમ ચેક, કિસાન ક્રેડિટ કાર્ડ, ગ્રીન ફ્યુલ કનવર્ઝન કીટ અને ટ્રાન્સપોંડર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે વિવિધ કેટેગરી હેઠળ વિવિધ એવોર્ડ્સનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો.એલ.મુરુગને પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતા. FAOના નેશનલ હેડ તથા ગ્રીસના એમ્બેસેડરે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યાં હતાં. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સાગર મેહરાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલ અને કિરીટભાઇ સોલંકી, રાજ્યના  ધારાસભ્ય સર્વે બાબુભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, દિનેશ કુશવાહ, સુશ્રી કંચનબેન રાદડીયા,કાળુભાઇ ડાભી વિવિધ રાજ્યોના મત્સ્યોદ્યોગ મંત્રીઓ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ સચિવ ડો.અભિલાક્ષ લીખી, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સાગર મેહરા, રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના કન્ટ્રી હેડ, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલી દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજદૂતો સહિત કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયના પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં માછીમારી અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *