રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડિઝ વિંગ દ્વારા સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો હતો. જેમાં સુરત શહેરની ર૦ જેટલી મહિલાઓએ કલાકૃતિ રજૂ કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘મનુસ્મૃતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં મહિલાઓની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે અને જ્યાં મહિલાઓની પૂજા નથી થતી, ત્યાં કરવામાં આવેલા તમામ કાર્યો નિષ્ફળ થાય છે. તે સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિ તો હંમેશાથી જ મહિલાઓના માન-સન્માન અને તેમની સ્વતંત્રતા, કલા અને કૌશલ્યની જાળવણી કરતી આવી છે. મહિલાઓમાં એક અલૌકિક શક્તિ હોય છે, જેઓ ઘર-પરિવાર સંભાળવાની સાથે જ ઓફિસ અને બિઝનેસમાં વૃદ્ધિ કરવા માટે દિવસ-રાત એક કરતી હોય છે.’
ટેલેન્ટ શોમાં હેમાંશી જરીવાલાએ ‘ જીવન કી દાતા’ ગીત અને વૈષ્ણવી બોડાવાલાએ ‘શંભુ સુતાય’ ગીત પર સોલો ડાન્સ કર્યો હતો. અનુ અમોડિયાએ ‘નારી’ વિષય પર સ્વ-રચિત કવિતા સંભળાવી હતી, જ્યારે ડિમ્પલ લોટવાલાએ ‘ભલે પધારીયા’ વિષય પર એક પાત્રિય અભિનય કર્યો હતો. દિપ્તી શાહે ‘જૂનુન એન્ડ થોડે બદમાશ હો’ વિષય પર સ્વ-રચિત કવિતા અને સોલો ગીત રજૂ કર્યા હતા. જેન્સી મેવાવાલાએ ‘છોકરીનો અવતાર લઈને લક્ષ્મી પધાર્યા છે ત્યાં’ ગીત અને જીગીશા જાગીરદારે ‘કૈસી હૈ પહેલી જિંદગાની’ ગીત રજૂ કરી પ્રેક્ષકોનો મંત્રમુગ્ધ કર્યા હતા.
ખુશી લાંગલિયાએ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘બોલ ના હલકે હલકે’ અને ‘ઓ રંગરેજ’ એમ ત્રણ બોલીવુડના ગીત પર સોલો ડાન્સ કર્યો હતો. જ્યારે મંજૂ બારિયાએ ‘જરા ઈતના બતા દે કાન્હા’ ભજનને હાર્મોનિયમની સાથે પ્રસ્તુત કર્યું હતું. મીરા દલાલે ‘નોરા’ વિષય પર એક પાત્રિય અભિનય રજૂ કર્યો હતો, જ્યારે નયના કાજીએ ‘મેરે ઘર રામ આયે હૈ’ અને ‘શુભ દિન આયો’ ગીત પર ડાન્સ કર્યો હતો. શ્રદ્ધા શાહે ‘રહે ના રહે હમ’ પર સોલો ગીત રજૂ કર્યું હતું. સુમન શાહે ‘મહિલા’ વિશે સ્વ-રચિત કવિતા સંભળાવી હતી અને સ્વાતી જાનીએ મિમિક્રી કરીને પોતાની કલા રજૂ કરી હતી.
આ ઉપરાંત વિજયા સોજીત્રાએ ‘મહિલાઓ આગે આવો કુછ કર કે દિખાઓ’ વિષય પર સોલો ગીત ગાયું હતું અને રૂપલ બોડાવાલાએ ‘આફરીન આફરીન’ અને ‘ઘર મોરે પરદેસિયાં’ ગીત પર દીકરી સાથે ડાન્સ કર્યો હતો. તેમજ સ્વાતી શેઠવાલા અને ભાવનાબેને ગીત ગાયું હતું અને સુધાબેને ક્લાસિકલ ડાન્સ અને નિતા મહેતાએ ડાન્સ કર્યો હતો.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પુર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, લેડિઝ વિંગના એડવાઈઝર રોમા પટેલ અને લેડિઝ વિંગના સભ્ય મયૂરી મેવાવાલા ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના લેડિઝ વિંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. લેડિઝ વિંગના વાઈસ ચેરપર્સન અલ્પા મદ્રાસીએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તેમજ લેડિઝ વિંગના સેક્રેટરી પ્લવનમી દવેએ લેડિઝ ટેલેન્ટ શોનું સંચાલન કર્યું હતું.