મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની પ્રેરક ઉપસ્થિતિ બેઠક સંપન્ન થઈ
દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર થવાથી રાજ્યના હજારો નાગરિકોને આધારભૂત હક પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. – મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
રાજ્ય સરકાર શહેરના છેવાડાના વિસ્તારના પછાત વર્ગના ઉત્થાન અને ન્યાય માટે કટિબદ્ધ – મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોના પછાત વિસ્તારોમાં આવેલ સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને લોકોને સુલભ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, મહેસૂલ સચિવશ્રી તથા સંબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં દસ્તાવેજીકરણની હાલની પ્રક્રિયાને સરળ બનાવવા, જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાત વિસ્તારોના નાગરિકોને લાવવા માટે શક્ય તેટલા સંવેદનશીલ અને જનહિતના નિર્ણયો લેવા અંગે ચર્ચા થઈ.
રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને, જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અક્ષમ રહ્યા છે, તેમને માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.
આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. સાથે સાથે પછાત વિસ્તારોનો નકશો પણ શહેરના મુખ્ય ધારા સાથે સંકળાઈ શકશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.