Latest

મુખ્યમંત્રીના VGGS-2024ના પ્રથમ રોડ શૉ પૂર્વે ગાંધીનગર ખાતે આઠમી કડીમાં વધુ ચાર MoU થયાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે જેની સફળતાના ૨૦ વર્ષ પૂર્ણ કર્યાં છે તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.

આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગ રોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-૨૦૨૩થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે.

આ ઉપક્રમના આઠમાં તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બુધવાર તા. ૦૪ ઑક્ટોબરે આઠમી કડીમાં ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ્સ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના રોકાણો માટે ચાર MoU થયા છે. તેનાથી સંભવિત ૧,૧૯૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે.

આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં તા. ૪ ઓક્ટોબરે થયેલા MoU સહિત આઠ તબક્કામાં કુલ ૧૪,૬૩૬ કરોડ રૂપિયાનના સંભવિત રોકાણો માટેના ૩૫ MoU થયાં છે. આ MoU સાકાર થતાં રાજ્યમાં સમગ્રતયા ૫૧, ૯૦૭ જેટલા રોજગાર અવસરો ઊભા થશે.

આ MoU અનુસાર સુરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે પોલિ ફિલ્મ્સ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરવા માટે એસ. એમ. એલ. ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. ૪૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ વર્ષ ૨૦૨૪-૨૫માં કાર્યરત થતા ૪૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે.

પેકેજિંગ સેક્ટરના ઉદ્યોગ માટે ભરૂચ જિલ્લામાં બીઓપીપી અને બીઓપીઈટી મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા માટે આકાશ પોલિ ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. ૪૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૪૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે. તેમજ ભરૂચમાં કેમિકલ ડાઈઝ અને ઇન્ટરમીડીયેટ્સ માટે કેમિકલ મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા સુપરીત કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૧૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી ૧૫૦ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.

આ ત્રણ MoU ઉપરાંત પાવર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે રૂ. ૧૦૦ કરોડના રોકાણો માટે MoU થયા હતા.

આ માટે વડોદરા જિલ્લાના સાવલીમાં પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે ઉપયોગી ટર્બાઈન પાર્ટ્સ તથા પીએસપી પ્રોજેકટસ માટે હેવી ફેબ્રીકેટેડ ગુડ્સ સ્થાપવા માટે રૂ. ૧૦૦ કરોડના રોકાણો માટેના MoU બેસ્ટલ્લ મશિનિંગ અને ફેબ્રિકેશન પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં ૨૪૦ લોકોને રોજગારી મળશે અને આ માસના અંત સુધીમાં જ યુનિટ કાર્યરત થઈ જશે.

MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.

રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU સાઇનીંગ અવસરે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *