શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસ થી ગાયો માટે ચાલી રહેલો મામલો હજી થાળે પડતો નજરે નથી પડી રહ્યો. બુધવારે યાત્રાધામ અંબાજી ખાતે બીમાર અને ઈજાગ્રસ્ત ગાયો માટે જમીનને લઈ ગૌરક્ષકો અને ગૌ સેવકો દ્વારા અંબાજીના સર્કલ જોડે એકત્રિત થયા હતા,
જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું હતું. ગૌ સેવકો અને ગ્રામજનોની માંગણી છે કે જે હાલમાં બંસી ગૌ સેવા ટ્રસ્ટ અંબાજી મા અકસ્માતથી થતી ગાયો અને બીમાર થતી ગાયોની સેવા કરી રહી છે, તે જગ્યા અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા મૌખિક રૂપે આપવામાં આવી હતી. તે જગ્યા હવે અંબાજી ગ્રામ પંચાયત ના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા ફરી છીનવી લેવાનો આદેશ એકજ દિવસમા કરાયો છે. જેને લઇને સમગ્ર અંબાજીમા ગૌ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુરુવારે યાત્રાધામ અંબાજી ખાતે સાંજે ગૌ પ્રેમીઓ અને બંસી ગૌ સેવા ટ્રસ્ટ ના સેવકો તથા અંબાજીના ગ્રામજનો 51 શક્તિપીઠ સર્કલ પર તેમની માંગણીઓ સાથે ભેગા થયા હતા. આઠ વર્ષથી બંસી ગૌ સેવાના લોકો ગાયો માટે સતત સેવા કરી રહ્યા છે.
હાલ મા જ્યાં બંસી ગૌ સેવકો દ્વારા ગાયો ની સેવા થઈ રહી છે જે જગ્યા અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એક જ દિવસમાં ખાલી કરવાનો આદેશ બુધવારે કર્યો હતો,તેને લઈને સમગ્ર અંબાજી ગ્રામવાસીઓ અને ગૌ પ્રેમીઓમાં આક્રોશની લહેર દોડી રહી છે.
ગાયો ની સેવા કરતા ગૌ પ્રેમીઓ અને ગ્રામજનો સરપંચ દ્વારા કરાયેલા આ નિર્ણયને સનાતન વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને ગાયોને બેઘર કરી રહ્યા છે. ગુરુવારે સાંજે અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ જોડે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ સેવકો ભેગા થઈને અંબાજી ગ્રામ પંચાયત માં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ગ્રામજનો અને ગૌ સેવકો ગાય માતાના નારાઓ સાથે અંબાજી ગ્રામ પંચાયતને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
જ્યાં અંબાજી ગ્રામ પંચાયત મા સરપંચ, ઉપસરપંચ અને સેક્રેટરી હાજર ન હતા,ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયત મા અન્ય કર્મચારીઓને આવેદનપત્ર આપ્યું હતું.
:_ આગામી દિવસોમાં નિર્ણય આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજીબંધની ચિમકી :_
બે દિવસથી ચાલી રહેલો ગૌ સેવા નો મામલો હવે દિવસે દિવસે વધી રહ્યો છે આજે અંબાજી ગ્રામ પંચાયતને ગૌ સેવકો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવા બાબત જાણ કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ સેવકો ગ્રામ પંચાયત પહોંચતા ગ્રામ પંચાયતના અધિકારીઓ અને સરપંચ ઉપસરપંચ ગેરહાજર દેખાયા હતા.
ગૌ પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીમાર અને ઇજાગ્રસ્ત ગાયોની સારવાર જે ખંડેર છાત્રાલયમાં ચાલી રહી છે તે જગ્યા હવે નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એકજ દિવસ મા ખાલી કરવાનો આદેશ આપતા ગૌ પ્રેમીઓ ને ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો હતો .
ગૌ પ્રેમીઓ અને બંસી ગૌ સેવા ટ્રસ્ટ તથા ગ્રામજનોની માંગણી છે કે અંબાજીમાં ઇજાગ્રસ્ત ગાયો અને બીમાર ગાયો ની સેવા કરવા માટે સ્થળ કે પછી ગૌચર ભૂમિ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવે તો અંબાજી માં ગાયોની સેવા થઈ શકશે. આવેદનપત્ર આપવા પહોંચેલા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ સેવકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જે અગર ગ્રામ પંચાયત દ્વારા ગાયો માટે ઉચિત નિર્ણય લેવામાં નહી આવે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે તેની સંપૂર્ણ જવાબદારી અંબાજી ગ્રામ પંચાયતની રહેશે.