અમદાવાદ: દહેગામ તાલુકાનું પૌરાણિક પાટનાકુવા ગામ ગરબાની રમઝટથી ગાજી ઉઠ્યું..
કપરા કોરોના કાળના બે વર્ષ બાદ જાણે કે નવું જીવન, નવો આનંદ, નવો ઉલ્લાસ જીવનમાં મળ્યો હોય તેમ આ વખતે ગરવી ગુજરાતમાં વટ છે તમારો…એવા દ્રશ્યો જોવા મળ્યા. ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના પ્રાચીન એવા પાટનાકુવા ગામમાં પણ કંઇક એવા જ દ્રશ્યો મળ્યા હતા. જેમાં યુવા હૈયાઓથી લઇને સૌ કોઇ મન મૂકીને નાચ્યા, ઘુમ્યા અને રમ્યા હતા.
પાટનાકુવા એક નાનકડુ ગામ હોવા છતાં ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. છત્રપતિ શિવાજી મહારાજની કુળદેવી માં તુળજા ભવાની માતનું મંદિર અહીં આવેલું છે, જેની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તુરજા ભવાનીની સાથે મહાકાળી માતનું પણ મંદિર આવેલું છે. એવા પ્રાચીન ગામમાં આ વખતે બંન્ને મંદિરોમાં કોઇ પાર્ટી પ્લોટને ટક્કર મારે એ રીતે ગરબાનું આયોજન થયું હતું. જેમાં ગામના યુવાનો સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં જન-જન મન-મન મુકીને રમવા આવ્યા અને જોવા આવ્યા હતા.
ગામના આગેવાન તુરજા ભવાની મંદિરના પ્રમુખ વિનુભાઇ ચૌધરીના જણાવ્યા પ્રમાણે દર વર્ષે પાટનાકુવામાં ધામધુમ પૂર્વક નવરાત્રી મહોત્સવ ઉજવાય છે, દશેરાના દિવસે ભવ્ય હવન કરવામાં આવશે સાથે આસપાસના પાંચ ગામના બ્રાહ્મણોને જમાડવામાં આવે છે.
આમ તો નવલી નવરાત્રીમાં નવે નવ દિવસ રમઝટ જામતી હોય છે, પરંતુ પાટનાકુવા ગામમાં નવરાત્રીના છેલ્લા દિવસે અતિ ઉત્સાહ રંગેચંગે રમવાની સાથે દશેરાએ પણ નવરાત્રીની જેમ જ ચાચર ચોકમાં ગરબાની રમઝટ જોવા મળે છે. દશેરાની દિવસે મંદિરમાં હવનની સાથે માતાજીના ગરબા વળાવવામાં આવે છે.